________________
શ્રી અરિહંતનો મહિમા
તે પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સત્પરુષના યોગમાં આવી તેમની અસર સ્વીકારતો થાય છે ત્યારે તે ભગવંતની કૃપા તથા કલ્યાણભાવને આધારે જીવની આત્માર્થે પ્રગતિ શરૂ થાય છે. એ સપુરુષની સમર્થતા જેટલી વધારે અર્થાત્ તેમનો કલ્યાણભાવ જેટલો બળવાન અને જગતની સુખપૃહા જેટલી અલ્પ તેટલા વિશેષ પ્રમાણમાં લાભ તેમના સંપર્કમાં આવી તેમની અસર સ્વીકારનાર જીવને થાય છે. આવા સપુરુષના આધારે તેના શુભભાવમાં વધારો થવાથી તે જીવ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરતો થાય છે. આથી થતી પ્રગતિને સમજવા માટે ક્યા જીવ ક્યારે કેવા કલ્યાણભાવ કરી શકે છે અને તેનું ફળ શું આવે છે તે સમજવું રસપ્રદ બની રહે છે.
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જીવ સંપર્કમાં આવતા અન્ય જીવની અસર નીચે શુભાશુભ ભાવ વેદી તે જીવ સાથે નવા શુભાશુભ ઋણાનુબંધ બાંધે છે. અને જ્યારે તેને સપુરુષનો સંપર્ક થાય છે ત્યારે તે શુભ ઋણાનુબંધી જીવો સાથે શુભ ઋણાનુબંધ બાંધવા ઉપરાંત જે જીવો સાથે શુભ કે અશુભ ઋણાનુબંધનો ઉદય નથી તેવા તટસ્થ જીવો માટે શુભ ભાવ કરવાની શરૂઆત કરે છે. તેમની સાથે મૈત્રીભાવનું વેદન કરી શુભ ઋણાનુબંધ બાંધી વિકાસનું એક ડગલું વિસ્તાર છે, અર્થાત્ સપુરુષની અસર નીચે જીવો સાથેની પોતાની મૈત્રીભાવના વિકસાવે છે. આવા શુભભાવ કરવાના ફળરૂપે તેને શુભ ગતિ વધારે આવે છે. અને તેને પુરુષોનો સંપર્ક મેળવવો થોડો વધારે સુલભ બને છે. સપુરુષ સાથેના વધતા સંપર્કને કારણે તેમની અસરથી તે જીવ ક્રમે ક્રમે અશુભ ઋણાનુબંધી જીવો માટે પણ શુભભાવ કરતાં શીખે છે. તેને સમજ આવે છે કે પૂર્વ કાળમાં પોતે અન્ય જીવનું બૂરું કર્યું હતું કે બૂરું ઇચ્છયું હતું તેના ફળરૂપે વર્તમાનમાં તેની સાથે અશુભ ઉદયો ચાલે છે, તેથી વર્તમાનનાં અશુભ નિમિત્તને દોષ ન આપતાં પોતાની પૂર્વની ભૂલની નિંદા કરી, ક્ષમા માગી, તે જીવનું શુભ થાય એવા ભાવ કરી, પોતાની પૂર્વની ભૂલ સુધારી તેની સાથે નવા શુભ સંબંધ સ્થાપતો જાય છે. તે જીવ પોતાના આત્માની પ્રગતિમાં નોંધનીય વિકાસ કરે છે. જીવ જે કક્ષાના સપુરુષના આધારે શુભભાવ કરી કલ્યાણભાવ કરે છે, તે જ પુરુષની કક્ષાના અનુસંધાનમાં તેની સમર્થતા પ્રગટ થાય છે અને તેનું ભાવિ ઘડાતું જાય છે.