________________
પ્રકરણ ૧૩ આણાએ ધમ્મો, આણાએ તવો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ
આપણા ભારતવર્ષમાં અનેક ધર્મો પ્રવર્તે છે, દરેકની રીતિ નીતિમાં અમુક અમુક ફેરફાર જોવા મળે છે. કેમકે સુખ મેળવવાની રીતિમાં દરેક શોધક પ્રવર્તકની માન્યતા જુદી જુદી રીતે પ્રવર્તતી હોય છે. દુઃખથી ભરેલા આ સંસારમાં સહુ જીવો સુખને ઇચ્છે છે; અને પોતપોતાની કલ્પના પ્રમાણે સુખ મેળવવા સતત પુરુષાર્થ કરતા જોવામાં આવે છે. તે જ્યાં પોતાને અનુકૂળતા લાગે ત્યાંની રીતિ અપનાવી સુખની પ્રાપ્તિ ઇચ્છે છે. પરંતુ અમુક વિરલા જીવો જ સાચા સુખને મેળવવાનો અને અનુભવવાનો સમ્યક્ માર્ગ મેળવી શકે છે. આવા સુખ તથા શાંતિ મેળવવાના પુરુષાર્થને સામાન્ય ભાષામાં “ધર્મ' કહેવામાં આવે છે, બીજી રીતે કહીએ તો અંતરંગ શાંતિ તથા સુખને પ્રગટ કરવા માટે સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ પોતાના અનુભવને આધારે જે માર્ગ નક્કી કર્યો છે અને લોકોને જે માર્ગે ચાલવા અનુરોધ કર્યો છે તે માર્ગ “ધર્મ' તરીકે ઓળખાય છે.
સહુ તત્ત્વવેત્તાઓ પોતપોતાની અનુભૂતિ, માન્યતા, તર્ક અને તેને અભિવ્યક્તિ આપવાની શક્તિને આધારે સુખ મેળવવા માટે લોકોને માર્ગદર્શન આપતા હોય છે. તેથી તેમના માર્ગમાં ઘણા પ્રકારે ભિન્નતા જોવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની રીતિ પ્રમાણે અમુક અંગ પર ભાર મૂકે છે, અને બીજા અંગો ગૌણ કરે છે, અર્થાત્ વિકસાવવા યોગ્ય અમુક ગુણને ખૂબ પ્રાધાન્ય આપે અને અન્ય ગુણો માટે ગૌણતા કરે. અન્ય તત્ત્વવેત્તા અન્ય ગુણને પ્રાધાન્ય આપે અને તે સિવાયના
૩૧૭