________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ધામમાં લઈ જાય. ધર્મે આ સર્વોત્તમ કાર્ય રાજપ્રભુનાં જીવનમાં તેમના માટે અને પર, માટે કેવી રીતે કર્યું હતું, તેની સમજણ આપણને તેમના આ ક્રમિક આત્મવિકાસના ઇતિહાસમાંથી મળી આવે છે, અને તે પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કૃપાળુદેવનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે રહેલું છે. - ટૂંકામાં કહીએ તો ધર્મનું મંગલપણું અનુભવવા માટે, સંસારથી છૂટી આત્મસુખમાં રમમાણ થવાના ભાવ તથા સંસારની શાતા ભોગવવાની પણ અનિચ્છા એ મુખ્ય પાયો છે. આ પાયાનો આધાર લઈ જીવ ક્ષાયિક સમકિત લીધા પછી ધર્મધ્યાનમાં અને આગળ વધ્યા પછી શુક્લધ્યાનમાં રહી કર્મની ઘણી મોટી સંખ્યામાં નિર્જરા કરી શકે છે. તે જીવને પછી શુભ કે અશુભ કર્મનો ભેદ ટળી જાય છે. – પિંજરું તે પિંજરું, સોનાનું કે રૂપાનું પિંજરું તે પિંજરું. એમ કર્મ, પછી શુભ હોય કે અશુભ, જીવને માટે એ એક પ્રકારની બેડી જ છે. સંસારવાસના નહિ રાખનાર જીવ જે કોઈ શાતા અશાતામય ઉદયમાં વસે, તેમાં આત્મશાંતિ અને સમતા જાળવી શકે છે. અને રહેતાં આવાં સમપરિણામને કારણે સ્થિરપરિણામ જળવાય અને ઉન્નતિ થાય તેવાં નવાં શુભ કર્મબંધ થાય છે. તેના થકી નિર્જરા વધતી જાય છે, આત્મચારિત્ર ખીલતું જાય છે. જેનું ફળ શાશ્વત સુખની પ્રાપ્તિ છે.
સંસારની શાતાના મોહમાં ન લપટાવા માટે, સંસારની અનુભવાતી અસારતાની અસર જાળવી રાખવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું શરણું, તેમની આજ્ઞાનું આરાધન એ મુખ્ય સાધનો છે. તે સાધનના આધારથી ધર્મ કેવો મંગલમય છે, અને તેની ઉત્કૃષ્ટતા કેવી હોય તે આપણને સમજાય છે. એ જ રીતે કૃપાળુદેવ પરમેષ્ટિ પદના અધિષ્ઠાતા હોવાથી તેમનાં જીવનના અભ્યાસ થકી આપણને ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાની જાણકારી તથા અનુભૂતિ આવે છે. આવા ઉત્કૃષ્ટ મંગલમય ધર્મની પ્રાપ્તિ સહુ જીવોને નિજ કલ્યાણાર્થે પ્રાપ્ત હો! એ જ પ્રાર્થના છે.
૩૧૫