________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
શુક્લધ્યાનમાંથી બહાર આવે ત્યારની તેમની સર્વ પ્રવૃત્તિ માત્ર ઉદયાધીન થતી હતી, તેમાં અંશમાત્ર ઇચ્છા રસસહિત થતી નહોતી, તેથી તેઓ શાતાનાં પરિણામ સાથે એકરૂપતા અનુભવતા ન હતા, અને આત્માનુભૂતિમાં જ રહેવાની તમન્ના રાખતા હતા. આના કારણે શાતાના જે બંધ પડતા હતા તે સંસારી પક્ષના નહિ પણ પરમાર્થ પક્ષના બંધ પડતા હતા, એટલે કે તે પુણ્યબંધ આત્મચારિત્ર તથા વીતરાગતા વધારવામાં વપરાય તે પ્રકારના હતા. બીજી બાજુ જ્ઞાનીમહાત્માની આજ્ઞાનું પાલન તેમણે દઢતાથી સ્વીકાર્યું હોવાથી આત્માનાં ચારિત્રને કેળવી કર્મના જથ્થાની નિર્જરા ઘણી જ ઝડપથી કરતા હતા. પરિણામે જે કર્મ ભોગવતાં ભાવિમાં લાંબો કાળ જાય તે કર્મને આ જ જન્મમાં ઉણા કરી ઘણા નાના કાળમાં તેમણે ભોગવી લીધાં. ઉપમાથી વિચારીએ તો કહી શકીએ કે આજ્ઞારૂપી સુદર્શન ચક્ર ફેરવી તેમણે કર્મોનો ખૂબ ખૂબ સંહાર કર્યો હતો. આ આજ્ઞાનાં ચક્રે તેમના આત્માને આશ્રવથી રક્ષણ આપી સંવર તથા નિર્જરાના શરણમાં મૂક્યો હતો.
સામાન્યપણે જીવ આત્મિક વિકાસ કરે છે ત્યારે તેના વિકાસમાં આવી ઝડપ જોવા મળતી નથી. શુક્લધ્યાનનો સ્પર્શ થયા પછી અને તેમાં અમુક અંશે આગળ વધ્યા પછી પણ, જીવને સંસારસુખનો આવો બળવાન નકાર પ્રવર્તતો નથી. તે જીવ ધ્યાનમાંથી બહાર આવે કે તરત સંસારની પ્રવૃત્તિમાં અને તેની સુખબુદ્ધિમાં લપટાઈ જાય છે. અને પોતાને વર્તતા શુભભાવોને સુખબુદ્ધિમાં જોડી ઘણાં ઘણાં નવાં પુણ્યકર્મ બાંધે છે, જે ભોગવવા માટે તેની દેવગતિ નિશ્ચિત થઈ જાય છે. આ સુખબુદ્ધિ તેને શુક્લધ્યાનમાં જતાં પહેલાં પણ સૂક્ષ્મતાએ પ્રવર્તતી હોય છે, તેને લીધે શુક્લધ્યાનમાં તે જેટલાં પાપકર્મ પ્રદેશોદયથી ભોગવીને નિર્જરાવે છે, તેટલાં પુણ્યકર્મ તે પ્રદેશોદયથી વેદીને નિર્જરાવી શકતો નથી. આમ શુક્લધ્યાનમાં પુણ્યકર્મ બચતાં રહે છે, અને ઉપરાંતમાં એ સંસારી શુભભાવના ગમાને કારણે અનેક નવાં પુણ્યકર્મ તેને ઉપાર્જન પણ થાય છે. વળી શુક્લધ્યાનથી બહાર નીકળ્યા પછી, એ જ સુખબુદ્ધિ તે જીવને સંસારી શાતા સાથે જોડાવી, પ્રબળ શાતાના ઉદયો ભોગવવા પડે એવા નવા પુણ્યબંધમાં લઈ જાય છે. આમ એકત્રિત થતો શાતાનો ઘણો મોટો જથ્થો ખપાવવા જીવને દેવગતિનો ભવ કરવો પડે છે.
૩૧૩