________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બોધ્યો’ અને ‘અપૂર્વ અવસર’ જેવી સર્વોત્તમ કૃત્તિની રચના પણ આ જ વર્ષમાં તેમણે કરી હતી.
અપૂર્વ અવસર એ તેમની અંતરંગ દશા તથા અભિલાષા દર્શાવતું, જૈન પરિપાટી અનુસાર રચાયેલું અનુપમ કાવ્ય છે. તેમાં બાહ્યથી તેમજ અંતરંગથી નિર્ગથ થઈ, ઉપસ્થિત થતા સર્વ પરિષહો તથા ઉપસર્ગોને સમભાવે સહીને, તથા ઉત્તમ અને ઉગ્ર તપશ્ચર્યા કરીને કર્મ નિર્જરા પૂર્ણ કરી “મોક્ષપદ પામવાનો તેમનો અભિલાષ વ્યક્ત થયો છે. જીવ એક પછી એક ગુણસ્થાન કેવા ક્રમથી ચડતો જાય છે તેનું ક્રમિક વર્ણન તેમાં થયું છે. આ કાવ્યમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ બે વિભાગ છે. અને એના થકી કૃપાળુદેવનાં અતીત તથા અનાગત જીવન વિશેની જાણકારી આપણને મળે છે. તેમની વર્તમાન દશા સાથે, ભાવિમાં પરમપદની પ્રાપ્તિ ક્યા માર્ગથી કરવા તેમણે ધારી છે તેનું ક્રમિક વર્ણન આ પદમાં ખૂબ જ વિશદતા સાથે થયેલું છે. આ કાવ્યના આધારે આપણને સં. ૧૯૫૩ની તેમની ઉચ્ચ આત્મદશાનો પરિચય થાય છે.
આ વર્ષમાં તેમણે લખેલા પત્રો વાંચતા તેમની બીજી એક વિશેષતા નજરે તરે છે. આ પત્રોમાં પોતાનાં અંગત સ્થિતિસૂચક વચનો ભાગ્યે જ જોવા મળે છે. જે મળે છે તે તેમની તટસ્થ દશાનું ચિત્રણ છે. તેઓ કેવી સ્થિતપ્રજ્ઞની દશાએ પહોંચ્યા હતા તેનો ચિતાર આપણને આ પત્રો દ્વારા મળી રહે છે. તેઓ સંસારમાં અનુભવવા પડતા પ્રસંગોના પ્રત્યાઘાતોથી કેટલા અંશે પર થઈ ગયા હતા તેનો અંદાજ આપણને આ પત્રો આપી શકે છે. મુમુક્ષુ જનોએ નોંધેલા તેમના પરિચય પ્રસંગો પણ તેમને વર્તતી સ્થિતપ્રજ્ઞ દશાની સ્પષ્ટ છાપ ઊભી કરે છે, અને એ જ છાપ તેમનાં એ વખતનાં વાણી વર્તન આપણા પર ઘેરી કરે છે, એ હકીકત છે.
તેમનાં આવાં સ્થિતપ્રજ્ઞપણાની તથા અસંગપણાની સાક્ષી પૂરે એવો એક પ્રસંગ સં. ૧૯૫૩માં બની ગયો. આ વર્ષના જેઠ વદ દશમના રોજ તેમના પરમાર્થ સખા, પરમ વિશ્રામરૂપ સૌભાગભાઈનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો. આ સમાચાર જાણ્યા પછી પણ તેમણે જે સ્થિરતા અને ધીરજ જાળવ્યાં હતાં, તે સમાચારને સહજપણે
૨૯૯