________________
કેવળી પ્રભુનો સાથ
“તીર્થકર પદ” મેળવવા માટેનું નામકર્મ નિકાચીત કર્યા પછી જીવને જે જાતના ભાવ વર્તતા હોય તેવું આ ચિત્રણ છે. અને એ પરથી આપણે જરૂર અનુમાન પર આવી શકીએ કે આ લખાણ લખતાં પહેલાં, પૂર્વે જેનો નિર્દેશ તેમના દ્વારા અનેકવાર થયો છે તે તીર્થકર નામકર્મ નિકાચીત થયું હોવું જોઇએ. સહુ જીવોનું કલ્યાણ કરવાની તેમની આ ભાવના થોડા સમયમાં પૂરી થાય એમ તેમને લાગતું નથી, તેથી એ વિશે તેમણે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી છે કે, –
“હે નાથ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે.” (ભાદરવા ૧૯૫૨. આંક ૭૦૯)
આ પ્રકારે ધર્મોન્નતિ કરવાની તેમની ભાવના, તે વિશેની તેમની વિચારણા આપણને તેમની હસ્તનોંધમાં પણ જોવા મળે છે –
પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે?
તે વિશે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે?
ગવેષ. તેવું પરાક્રમ છે?
અપ્રમત્ત શુરવીર થા. તેટલું આયુષ્યબળ છે?
શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો .” (હસ્તનોંધ ૨. આંક ૧૮) તેમને પોતામાં ધર્મોન્નતિ કરવા માટેની બીજી બધી યોગ્યતા જણાતી હોવા છતાં આયુષ્ય પૂરતું ન હોય તેવી સંભાવના લાગતી હતી, અને તે વિશેનો અંદેશો તેમણે અહીં વ્યક્ત કર્યો છે. અને ધર્મની પ્રભાવના શરૂ કરતાં પહેલાં અડોલ જિનસ્વરૂપ મેળવવાની વૃત્તિ કરી છે, જે તેમનાં ભાવિ પદનાં અનુસંધાન પ્રતિ આપણને દોરી જાય છે.
૨૯૪