________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતો, તે માટે કોઈ અંતરંગ ઇચ્છિત સ્પૃહા રાખી નહોતી. ભલભલા મુનિઓને પણ ચળાવવામાં સમર્થ એવા લબ્ધિસિદ્ધિના આકર્ષણને પણ તેઓ ઘોળીને પી ગયા હતા. વળી, તેઓ સ્ત્રી, પુત્ર, કુટુંબ, વ્યાપાર, પરિગ્રહ આદિથી અપ્રતિબદ્ધ રહ્યા હતા. પ્રભુની આજ્ઞાએ અને સત્પુરુષના માર્ગે ચાલીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ જ તેમના જીવનમાં સમાયેલું ધર્મનું મંગલપણું હતું. સં. ૧૯૪૯માં તેમનો ઉપાધિયોગ વધ્યો હતો. વેપાર વધ્યો, કુટુંબની જંજાળ વધી, તો સાથે સાથે કારમા ઉદયથી છૂટવાનો પુરુષાર્થ પણ વધ્યો. આ વર્ષનો તેમનો ઉપાધિયોગ એવો બળવાન હતો કે તેમને માર્ગપ્રવર્તાવવાનો જે અભિલાષ હતો તે ગૌણ કરવો પડયો, તેમ છતાં તેને સહેલાઈથી પચાવી તેમણે પોતાના આત્માનાં શાંતિ, સમતા અને શુદ્ધિ વધાર્યા હતાં. તેમના વધેલા જ્ઞાનદર્શનના ઉઘાડને કારણે તેમની ભૂત તથા ભાવિની દશાની જાણકારી વધી હતી, જેના લીધે મારાતારાના ભેદભાવનું સ્થાન સમતાભાવે લીધું, રાગદ્વેષની ઘણી અલ્પતા થઈ અને સ્વરૂપમાં સ્થિર રહેવાનો સમય પણ ઘણો વધ્યો. આમ થવાથી નવાં મોહનીય કર્મનું બંધન ઘટતું ગયું, શાતા વેદનીય તથા કલ્યાણભાવનો આશ્રવ વધ્યો, જેને લીધે તેમનો આત્મા ખૂબ જલદીથી શુક્લધ્યાનમાં આગળ વધતો ગયો. તેમની વીતરાગતા પણ ઘણી વધતી ગઈ, તેનાં અનુસંધાનમાં કર્મ નિર્જરાની માત્રા પણ વધતી ગઈ. આમ થવાથી તેઓ જ્યારે શુક્લધ્યાનના અનુભવમાંથી બહાર આવે ત્યારે તેમને સંસારી પ્રવૃત્તિ સાથેનું અનુસંધાન નહિવત્ જેવું થતું હતું, કારણ કે તેમને સંસાર પ્રતિની સુખબુદ્ધિ ઘણા મોટા પ્રમાણમાં ક્ષીણ થઈ હતી. સંસાર સુખમય નથી, અસાર છે એવી લાગણી તેમને રોમે રોમે સિદ્ધ થઈ હતી એવી છાપ તેમનાં આ વર્ષના પત્રો વાંચતા આપણા પર પડે છે. તેઓ સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વક જોડાતા ન હતા, તેથી તેમને જ્ઞાન તથા દર્શનનાં આવરણો ખૂબ હળવાં રહેતાં હતાં, જે તેમને ચારિત્રની ખીલવણી કરવા માટે તથા આત્મદશા ઊંચી કરવા માટે ખૂબ ઉપયોગી થતાં હતાં. સંસારપ્રવૃત્તિ કરતી વખતે તેમને જે અલિપ્તતા રહેતી હતી તે વખતે તેમના હ્રદયમાં સહુ જીવ કલ્યાણ પામે, ધર્મનું શ્રદ્ધાન પામી આત્માનાં અદ્ભુત સુખને અનુભવે એવી કલ્યાણમય
૨૮૯