________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કલ્યાણમય અભિલાષ ટૂંક સમયમાં પૂરો નહિ થાય તેવો અંદેશો થયો હતો, અને તે માટે ખેદ પણ થતો હતો. તેથી આ ભાવનાને જલદીથી સાકાર કરવા માટે તેઓ વ્યાવહારિક પ્રસંગોમાં ભાગ લેવાનું કે તે વિશે સલાહ આપવાનું પણ ટાળવા લાગ્યા હતા. સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૨ના રોજ તેમણે શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, -
“પ્રથમ સગપણ સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું . આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહિ હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.” (આંક પર૭)
ચિત્તની વિશેષ નિર્મળતા તથા સ્વસ્થતા થઈ હોવાને કારણે આ વર્ષમાં તેમણે તત્ત્વજ્ઞાનને લગતાં પત્રો વધારે લખ્યા છે. શ્રી લલ્લુજી મહારાજ આદિને જૈનદર્શન અનુસાર સમજણ આપતા પત્રો પણ ઘણા લખ્યા છે. કેટલાક પત્રોમાં તેમણે જૈન તથા વેદાંત દર્શનની તુલના કરી છે, અને જૈનદર્શન ક્યા કારણથી વિશેષ યોગ્ય છે તે વિશેની સમજણ પણ પોતાના અભિપ્રાય સહિત આપી છે. ઘણા પત્રોમાં જિન સિધ્ધાંતની વિશદ સમજણ આપી છે, આ બધામાં “છ પદનો પત્ર” જે પ્રભુશ્રી ઉપર ફાગણ માસમાં લખાયો હતો તે સર્વોત્તમ છે. (આંક ૪૯૩). આ પત્રમાં આત્માનાં છ પદ તથા મોક્ષમાર્ગની સઘન છતાં સંક્ષિપ્ત સમજણ તેમણે આપી છે.
તેમનાં આ બધાં લખાણો અને તેમાં પ્રમાણિકપણે નિરૂપાયેલા તેમના ભાવો તપાસતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા માટે તેમનું આત્મબળ વધ્યું હતું, મન મજબૂત થયું હતું, અને કર્મનો યથાર્થતાએ પરાભવ કરવા માટે તેઓ કૃતનિશ્ચયી થયા હતા. ક્ષાયિક ચારિત્રી થવાની, અશરીરિ થવાની તેમની પ્રબળ થતી આકાંક્ષા તેમનું વીતરાગ માર્ગ પ્રતિ વધતું દઢત્વ આપણને પ્રત્યક્ષ કરાવે છે. તેનું મુખ્ય કારણ હતું તેમની વધતી જતી ધર્મની ઊંડાણભરી અને ઝીણવટભરી સમજણ.