________________
કેવળી પ્રભુનો સાથ
થતો વિલંબ તેમને અકળાવતો હતો, તેમ છતાં તે બધું જ તેઓ સમભાવથી સહન કરતા હતા. આ રીતે સર્વ સંજોગોમાં આત્મસ્થિરતાને જાળવીને રહેવાની પ્રવૃત્તિથી તેમને ઘણો લાભ થયો હતો. આ વર્ષમાં તેમણે વર્તતી ઉપાધિના દુ:ખને શાંત પરિણામથી વેધું, તેથી કર્મની નિર્જરા બળવાનપણે થવા ઉપરાંત તેમનો વૈરાગ્ય દેઢ થઈ ઉદાસીનતાની કેડીએ આગળ વધ્યો. વૈરાગ્યમાં સંસારનો નકાર અર્થાત્ સૂક્ષ્મ દ્વેષ રહેલો છે. વેરાગ્યમાં “સંસાર જોઇતો નથી' એ પ્રકારે નકાર વર્તે છે. જ્યારે વૈરાગ્યનું, તેમાં રહેલા નકારના ભાવનું ઉધ્ધકરણ થાય છે ત્યારે તે વૈરાગ્ય ઉદાસીનતામાં પલટાય છે. ઉદાસીનતામાં ‘આમ હોય તો સારું, પણ ન હોય તો પણ વાંધો નથી એ પ્રકારનો ભાવ થાય છે. જેમકે “સંસાર ન હોય તો સારું, પણ હશે તોય ચાલશે, અર્થાત્ સમભાવ રાખી શકીશ, પ્રાપ્તિ ન થાય તો પણ મારે આર્ત પરિણામ કરવાં જ નથી'. એવી વિચારણા જીવમાં ઉત્પન્ન થાય છે, અને આવા ભાવ થકી જીવનો સમભાવ વિકસતો જાય છે. જે દશા કે સ્થિતિ પોતા માટે જોઇએ છે, તેની પ્રાપ્તિ અન્ય જીવોને પણ હો એવી દૃષ્ટિ આવવી તે ઉદાસીનતા કે નિર્લેપતાનું ઊંચું સ્વરૂપ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૃપાળુદેવ સં. ૧૯૪૯માં ઉદાસીનતાની ઉર્ધ્વ સ્થિતિ સુધી પહોંચી ગયા હતા. થયેલા આ વિકાસને કારણે તેઓની સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, યશ, કીર્તિ, આદિ માટેની આસક્તિ લગભગ નીકળી ગઈ હતી અને તેમની નિસ્પૃહતા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. સાથે સાથે તેમણે સેવેલો જગતજીવો માટેનો કલ્યાણભાવ વધારે શુદ્ધરૂપ ધારણ કરતો જતો હતો. જે ભાવિમાં તેમને તીર્થસ્થાનની ભેટ આપી તીર્થસ્વરૂપ બનાવનાર હતો.
વિ. સં. ૧૯૪૯માં તેમને દહેશત થઈ હતી કે આવેલો ઉપાધિયોગ અલ્પ કાળમાં મટે તેવો નથી, તેમની એ દેહશત સાચી નીવડી હતી; તે સં. ૧૯૫૦માં તેમણે લખેલા પત્રોનો અભ્યાસ કરતાં જણાય છે. આ વર્ષની શરૂઆતમાં તેમની બાહ્યપ્રવૃત્તિરૂપ ઉપાધિઓ વધી હતી. પરિણામે કેટલીયે વાર બાહ્યથી ચિત્ત અસ્વસ્થ થતું હોવાથી, તેઓ મુમુક્ષુઓને યથાકાળે યોગ્ય સમાધાનરૂપ કે માર્ગદર્શક પત્રો લખી શકતા ન હતા. તો ઘણી વખત એવું પણ બનતું કે શરૂ કરેલો પત્ર બેચાર લીટી લખ્યા પછી,
૨૭૪