________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જીવો, જે પોતાને માટે ઇચ્છયું છે તેવું, કલ્યાણ પામો એવી ભાવના પ્રત્યેક વચનમાં જોવા મળે છે. આમ તેમની આત્મદ્રષ્ટિ એટલી બધી વિશાળ થઈ હતી કે તેઓ સ્વપરના ભેદથી અલિપ્ત થતા જતા હતા. આ વિશાળ દૃષ્ટિને કારણે તેઓનું લક્ષ અન્ય જીવોના દોષ જોવા પ્રતિથી ખસી, કલ્યાણ થાય એ ભાવ પર કેંદ્રિત થતું જણાય છે, અને એનું પરિણામ છે રાગદ્વેષની અલ્પતા. કષાયને ઘટાડતા જઈ સમપરિણામ વધારતા જવા, એ તેમણે સાધેલો આ વર્ષનો આત્મવિકાસ ગણી શકાય. સાથે સાથે તેમના હ્રદયમાં રમતી “સહુ જીવોનું કલ્યાણ થાય” એ ભાવના કેટલી વિસ્તૃત થઈ હતી તે પણ આપણને અહીં જોવા મળે છે. તેમણે સેવેલી ધર્મની આ અજોડ શ્રદ્ધા એ તેમનાં જીવનમાં ધર્મ પ્રવર્તાવેલું મંગલપણું કહી શકાય. ધર્મના મંગલ પ્રભાવ વિના આવી ભાવના ઉભવવી અને વિકસવી શક્ય લાગતી નથી. ઉપરાંત, તેમનાં આ અને આવાં વચનો આપણને સ્પષ્ટતાએ બતાવે છે કે તેમનામાં ક્ષમા, માર્દવ(માનરહિતપણું), આર્જવ(માયરહિતપણું) તથા શૌચ(લોભરહિતપણું) આદિ ગુણો ઘણા મોટા પ્રમાણમાં ખીલ્યા હતા. તેના સથવારામાં બહ્મચર્ય, સત્ય, સંયમ, ત્યાગ આદિ ગુણો પણ ખીલતા ગયા હતા. કેળવેલા આવા સમતા તથા સંયમના ગુણથી જે બળવાન કર્મ નિર્જરા થતી હતી તેનાં ફળરૂપે તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો અલ્પ અલ્પ થતાં જતાં હતાં. અને ખીલેલાં જ્ઞાન તથા દર્શનના આધારે તેમને લાગતું હતું કે આવેલો ઉપાધિયોગ ભાવિમાં જલદીથી પૂરો થાય તેમ નથી. તેમણે આ વર્ષમાં લખ્યું હતું કે, –
“મનમાં અમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાભંતર નિર્ગથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને તેવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” (પ્ર. અષાડ વદ ૩, ૧૯૪૯. આંક ૪૫૩)
મોક્ષમાર્ગનાં ભેદજ્ઞાનની જે પ્રાપ્તિ થઈ હતી, તેનો લાભ સર્વ જીવોને આપવા તેનાં પ્રકાશક થવા તેમને સર્વસંગપરિત્યાગની આવશ્યકતા લાગતી હતી. માર્ગ પ્રવર્તન કરી, પોતાને વર્તતો સર્વ જીવ માટેનો કલ્યાણભાવ ચારે બાજુ પ્રસરાવવામાં
૨૭૩