________________
શ્રી અરિહંતનો મહિમા
જાય છે. જીવ પુદ્ગલ પરમાણુઓથી ભિન્ન થવાનો પુરુષાર્થ કરી ભિન્નતા મેળવે છે, તેથી તેઓ બંને પોતપોતાની શુદ્ધાવસ્થા મેળવે છે. આમ આ તીર્થસ્થાન જીવના મલિન, અશુધ્ધ ભાવને સ્વચ્છ તથા શુદ્ધ કરે છે, તે એટલે સુધી કે આ પ્રક્રિયામાંથી પસાર થનાર જીવ પણ તીર્થસ્થાનરૂપ થઈ શકે છે. આવી અનેકાનેક વિશેષતાઓ શ્રી પ્રભુનાં તીર્થસ્થાનમાં પ્રગટતી હોવાને કારણે આપણે કહી શકીએ કે આ સ્થાન શુધ્ધમાં શુધ્ધ છે, મંગલમાં મંગલ છે અને સર્વ જીવને માટે એકાંતે કલ્યાણકારી રહ્યા કરે છે.
આ જગતમાં સહુ જીવો સુખની શોધમાં સતત ફાંફા મારતા જ રહે છે, તેમ છતાં અતિ અતિ વિરલા જીવો જ સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે. મોટા ભાગના જીવોના હાથમાં તો માર્ગની જાણકારી ન હોવાને કારણે દુ:ખનું વેદન જ આવતું રહે છે. પરંતુ જ્યારે આ જગતના જીવો શ્રી પ્રભુના ઉપકારને ગ્રહણ કરવા જેટલી પાત્રતા કેળવે છે ત્યારે જ પ્રગતિ કરી શકે છે. અને વિકાસ કરી તે જીવો સંજ્ઞીપંચેન્દ્રિય સ્વરૂપે છૂટવાના કામી બની, શ્રી તીર્થંકર પ્રભુનાં શરણમાં આવે છે, તેમનાં માર્ગદર્શન અનુસાર ઉત્તમ પુરુષાર્થ કરે છે ત્યારથી તેઓ શાશ્વત સુખ મેળવવાનો મહામાર્ગ અનુભવે છે. અને તેઓ સર્વ સપુરુષો અને ઉત્તમ પુરુષોનો સાથ પામી યોગ્ય પુરુષાર્થ કરે છે ત્યારે છેવટમાં તેઓ શાશ્વત સુખ પણ મેળવે છે. - આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે જીવ સત્પષ તથા ઉત્તમ પુરુષનાં સાનિધ્યમાં રહી પુરુષાર્થ કરતાં સ્વકલ્યાણને વેગ આપી શકે છે. આવા પુરુષોમાં શ્રી તીર્થંકર પ્રભુ એ સર્વોત્તમ પુરુષ છે કેમકે તેમણે અનેક ભવો સુધી જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ વેદ્યા હોય છે, પોતે ચારે ઘાતી કર્મોથી મુક્ત થયા હોય છે, અને પૂર્ણતા પામ્યા પછી જ કલ્યાણના મહામાર્ગનું પ્રકાશન કરતા હોય છે. પરિણામે તેમનાં નિમિત્તે કોઈ પણ જીવ દુઃખ પામતો નથી, પૂર્ણતા હોવાથી માર્ગની અલ્પ પણ ન્યૂનતા પ્રગટતી નથી. એટલે તેમનાં શરણમાં રહી આરાધન કરનાર, યથાર્થ પુરુષાર્થ કરનાર જીવ સુખ, સુખ અને માત્ર સુખ જ મેળવે છે. આ કારણે શ્રી તીર્થંકર પ્રભુ સર્વોત્તમ તીર્થસ્થાન છે, કલ્યાણકારી તીર્થસ્થાન છે. અને એ તીર્થની ઉપાસના કરવાથી કલ્યાણ અને માત્ર કલ્યાણ મળે એવું પવિત્ર આ તીર્થસ્થાન છે.