________________
કેવળી પ્રભુનો સાથ
અહીં શ્રી તીર્થંકર પ્રભુને જ શ્રી અરિહંત પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. તીર્થકર એટલે તીર્થના કરનાર અથવા તો તીર્થની સ્થાપના કરનાર. જે આત્મા પોતામાં જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ ભવોભવ ઘૂંટીને, પોતે પૂર્ણ થયા પછી પૂર્ણ થવાનો - ઘાતી કર્મથી સર્વથા મુક્ત થવાનો મહામાર્ગ ખુલ્લો કરે છે, અને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેઓને આ મહામાર્ગના પ્રતિનિધિરૂપ બનાવે છે, તે આત્મા શ્રી તીર્થકર તરીકે ઓળખાય છે. તેઓ ધર્મસ્થાપક તરીકેનું મહામોટું બિરુદ ધરાવે છે. તેઓ આ તીર્થની સ્થાપના કરવાનું પુનિત કાર્ય અરિહંત થઈને કરે છે. અરિ એટલે શત્રુ અથવા વેરી, અને હંત એટલે હણાયા છે કે હણ્યા છે. આમ અરિહંત એટલે જેમના શત્રુ હણાયા છે, અને જેમનું શત્રુપણું હણાઈ ગયું છે તેઓ. બીજી રીતે વિચારતાં આપણે કહી શકીએ કે તમામ જીવો સાથેનો મૈત્રીભાવ કેળવ્યા પછી જ શ્રી તીર્થંકર પ્રભુ કલ્યાણધર્મની સ્થાપના કરે છે, અને એ વખતે તેમને જગતમાંના એકપણ જીવ સાથે વેરભાવ ઉદયમાં કે સત્તામાં બચ્યો હોતો નથી, વેરભાવનો યથાર્થપણે ક્ષય થયા પછી જ તેઓ આ પરમ પવિત્ર કાર્ય કરે છે. જેના પરિણામે તેમણે બોધેલા માર્ગને જે જીવ સ્વીકારે તેને એ માર્ગ એકાંતે હિતકારી
થાય છે.
શ્રી ‘અરિહંત'નો આ અર્થ વિચારતાં આપણને થાય કે શ્રી કેવળી પ્રભુને પણ આપણે અરિહંત કહીએ તો ખોટું શું છે? શ્રી કેવળ પ્રભુએ સહુ સાથેની મિત્રતા કેળવી છે; અને શત્રુતા મિટાવી દીધી છે, સાથે સાથે સહુ જીવોએ પણ તેમની સાથેની શત્રુતા ત્યાગી દીધી છે. આ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની અપેક્ષાએ પણ તેઓ શ્રી તીર્થકર પ્રભુ સમાન જ છે, ઘાતકર્મોનો ક્ષય પણ પૂર્ણતાએ છે, તો શા માટે કેવળી પ્રભુને અરિહંત પ્રભુ તરીકે ઓળખતા નથી?
અહીં આપણે તેઓ બંને વચ્ચે રહેલો એક ગુપ્ત તફાવત ધ્યાનમાં લેવાનો છે. આ ભેદ ઘાતકર્મની અપેક્ષાએ નહિ પણ અઘાતી કર્મની અપેક્ષાએ આપણે વિચારવાનો છે. તીર્થકર અને કેવળીપ્રભુનાં છદ્મસ્થપણાના પુરુષાર્થના ભેદને કારણે તેઓ બંનેનો તફાવત સમજવાનો છે. તેમના છદ્મસ્થ અવસ્થાના પુરુષાર્થમાં ફરક હોવાથી પૂર્ણતા