________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
લોકોને ભાંતિનો હેતુ થાય તેમ હતી. વર્તતા સંઘર્ષના કારણે તત્ત્વજ્ઞાનને લગતી કે તેમનાં જ્ઞાનનો અનુભવ આપતી કૃતિઓ આ સમય દરમ્યાન ભાગ્યે જ રચાઈ છે.
વિ.સં. ૧૯૪૮માં તેમને ઉપાધિયોગની શરૂઆત થઈ. આ વર્ષમાં તેમનો વેપાર ઘણો વધ્યો હતો, તેથી તે કામકાજમાં ઘણો વધારે સમય ગાળવો પડતો હતો. બીજી બાજુ તેમની દશાને અનુકૂળ સત્સંગી પાત્રોની દુર્લભતા તેમને અકળાવતી હતી; તેમ છતાં તેમના વિકાસમાં તેનાં કારણે કોઈ રુકાવટ આ વર્ષમાં આવી હોય તેવું જણાતું નથી. દર્શનમોહનો નાશ કર્યા પછી, ચારિત્રમોહનો નાશ કરવાનો પુરુષાર્થ તેમણે ઉપાડયો હતો. તેમાં ઉદય આવેલી ઉપાધિઓએ આત્માર્થ વધારવામાં તેમને મદદ કરી. પરાપૂર્વનો જે સંસારરાગ પ્રવર્તતો હતો, તે રાગ તોડવા માટે સંસારની પ્રતિકૂળતા મદદરૂપ થઇ. સંસારમાં આવતા શાતાના ઉદય જીવને લલચાવે છે અને તેના પુરુષાર્થને મંદ કરે છે, ત્યારે પ્રતિકૂળ ઉદયો અર્થાત્ અશાતાના ઉદયો જીવને સંસારનો રાગ તોડવા સહાયકારી થાય છે. મિથ્યાત્વનો ક્ષય થયા પછી આવેલા પ્રતિકૂળ સંજોગો જીવના વૈરાગ્યને દઢ તથા કાર્યકારી બનાવે છે એ ન્યાયે તેઓ પોતાની નિગ્રંથ શ્રેણિ જાળવી રાખવામાં સફળ રહ્યા. સાથે સાથે તેઓ પોતાનું આંતરચારિત્ર કેળવવા માટેનું આત્મબળ ખૂબ વધારી શક્યા હતા. જેથી સત્સંગની ખામી તથા સર્વસંગપરિત્યાગની ખામી જેવા મોટા આત્મદશા અવરોધકને ઓળંગી આત્મશુદ્ધિ સતત વધારતા રહ્યા હતા. વિ. સં. ૧૯૪૮નાં તેમનાં નીચેનાં વચનો આ અંતરંગ પાસા પર પ્રકાશ પાડે છે, –
“પરમાર્થ મૌન નામનું એક કર્મ હાલમાં ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણાં પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી; તેવો ઉદયકાળ છે ... નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમ જ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.” (કાર્તક સુદ, ૧૯૪૮. આંક ૩૦૪).
૨૫૯