________________
કેવળી પ્રભુનો સાથ
એવું જ સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે.” (ફાગણ સુદ ૪, ૧૯૪૭, આંક ૨૦૪)
સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યા પછી સત્સંગની ખામી વર્તાતી હોવા છતાં તેમનો પુરુષાર્થ મંદ થયો નથી, ભક્તિ તથા અસંગતાની સતત વૃદ્ધિ થયા કરે, તેમની વૃત્તિ બાહ્યથી છૂટી અંતર્મુખ થયા કરે એ માટે તેઓ સતત પ્રયત્નવાન રહ્યા છે. પરિણામે આત્માનાં વિશુદ્ધિકરણનો સ્વત:વેગ તેમને સહજ અસંગદશા પ્રતિ દોરી જતો સમજાય છે. જુઓ –
ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.” (ફાગણ સુદ ૫, ૧૯૪૭. આંક ૨૧૪) “અમારું ચિત્ત નિસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે.” (ફાગણ વદ ૧૧, ૧૯૪૭. આંક ૨૨૨) “વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઇશ્વરેચ્છા નથી, ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું?” (ચૈત્ર સુદ ૪, ૧૯૪૭. આંક ૨૩૦) “સર્વાત્મસ્વરૂપને નમસ્કાર. પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા, તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી, અને તેને લીધે જ આમ વર્તીએ છીએ.” (ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭. આંક ૨૩૪)
૨૫૪