________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
થાય એ ભાવ ખૂબ ખૂબ ઘૂંટાતો હતો. આ ઘૂંટણ એ ધર્મનાં મંગલપણાને પ્રસારિત કરવા માટેનું મુખ્ય લક્ષણ છે. ધર્મનાં મંગલપણા પ્રતિ લોકોને આકર્ષવા માટે જોઈતા ચમત્કારોનો ઉલ્લેખ કરતાં આ પછીના પત્રમાં તેઓ લખે છે કે,
“પંચમકાળમાં પ્રવર્તન ક૨વામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે, અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારો પવનથી પણ ગુપ્ત રાખજો.” (આંક ૨૮) આમ સં.૧૯૪૩માં કૃપાળુદેવ જૈનધર્મ પ્રવર્તાવવાની અભિલાષા તીવ્રપણે સેવતા જણાય છે. તેમને જે પ્રાપ્ત કરવું હતું તેને ઉદારતાથી જગત સમક્ષ ખુલ્લું કરી જગતને એ માર્ગે દોરવું પણ હતું. આ વચનોમાં આપણને તેમની જુવાનીનો જુસ્સો જોવા મળે છે તો સાથે સાથે જ્યાં સુધી પોતાની યોજના પાત્રતા સહિત સફળ ન થાય ત્યાં સુધી એ મનોરાજ્ય બધાથી ગુપ્ત રાખવાની ભલામણ પણ કરે છે, તેમાં તેમણે મનોભાવ પર રાખેલી વિવેકરૂપી લગામ પણ જોવા મળે છે. તેમણે પોતાના બનેવીને લખેલી ભાવ ગુપ્ત રાખવાની ભલામણમાં યોગ્યતા વિના ગમે તેવું પ્રિય કે ઉત્તમ કાર્ય ન કરવાનો નિર્ણય જોવા મળે છે, જેનું પરિણામ ગુણવૃદ્ધિમાં જ આવે.
એક બાજુ તેમનામાં વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે, અને બીજી બાજુ તેમનાં કુટુંબીજનો તરફથી તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. લક્ષ્મી, સંસાર આદિ પરત્વે તેમને વૈરાગ્ય તો વર્તતો જ હતો, છતાં તે સર્વનાં પૂર્ણ ત્યાગનો નિર્ણય લેવાય તે પહેલાં જ તેમણે વિ. સં.૧૯૪૪ ના મહાસુદ બારશના રોજ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો. તે પછીથી પણ તેમનું લક્ષ આત્માની શુદ્ધિ કરવાનું જ રહ્યું હતું, તે લક્ષ જરા પણ ચ્યુત થયું ન હતું. આત્મખોજના પુરુષાર્થમાં તેમને વિશિષ્ટ ગણાય તેવા કેટલાક અનુભવો પણ થતા હતા, સં.૧૯૪૪ ના અષાડ વદમાં તેમણે નોંધ્યું છે કે,
“આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે. જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી
૨૨૩