________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
અનુભવ હોવાથી, ફરીથી ઘટ્ટ થવા લાગ્યો, ધર્મશ્રદ્ધા વધુ બળવાન થઈ ગઈ. અને આમ થવામાં નિમિત્તકારણ જોવા જઈએ તો તેમનાં જાતિસ્મરણજ્ઞાન, જ્ઞાનપિપાસા, સારાસાર વિવેક તોલનની શક્તિ, ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ આદિ નજરે તરે છે. તેમને થયેલા આ અનુભવ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે એક વખત ધર્મનાં મંગલપણાનું બીજ આત્મામાં રોપાય છે ત્યાર પછી તે ક્યારેય નાશ પામતું નથી, એટલું જ નહિ પણ વખત આવ્યે તે ઊગીને વૃક્ષરૂપ થાય છે, અને તે આત્માને શાશ્વત સુખ સુધી પહોંચાડે છે. જે ધર્મબીજ બાલવયમાં તેમના આત્મામાં રોપાયું હતું, તે ખીલવાની શરૂઆત આપણે સં. ૧૯૪પના વર્ષથી જોઈ શકીએ છીએ.
આ વખત પછી ધર્મગ્રંથોના અભ્યાસે વિશેષ જોર પકડયું હતું. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે વીતરાગ પ્રણીત માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. અને વેરાગ્યસભર જીવન એ જ સાચું જીવન છે. આમ તેમનામાં વૈરાગ્ય ઊંડો અને ઘેરો થવાની શરૂઆત થઈ. પરિણામે ધર્મેતર પ્રવૃત્તિઓનો તેમનો રસ દિવસે દિવસે ઘટતો ગયો. વિ.સં.૧૯૪૦ પહેલાં જગત્કર્તાનો બોધ કરતી સ્ત્રીનીતિબોધક'ની ગરબીઓ તથા અન્ય ધર્મેતર કાવ્યરચના જે તેમણે કરી હતી તે વિશે તેઓ ઉદાસીન થઈ ગયા.
કૃપાળુદેવે બાવીસ વર્ષની વયે ખુબ પ્રમાણિકપણે લખેલી અને પોતાના ભાવો વિશે વિશદ પૃથક્કરણ દર્શાવતી આ “સમુચ્ચયવયચર્યા” (આંક ૮૯) પરથી આપણને તેમનાં જીવનના પહેલા તબક્કા વિશે ઘણું જાણવાનું તથા સમજવાનું મળે છે. બાળપણથી જ તેમનો ઝોક ધર્મ પ્રતિનો હતો, સમયના વહેવા સાથે તે વધતો જતો હતો, તેમને સંસારી પ્રસંગો તથા પ્રવૃત્તિઓ પ્રતિ સહજતાએ જ અંતરંગ નિસ્પૃહતા હતી, તેમ છતાં કલ્પનામાં કે વિચારમાં સંસારી સુખો અમુક અંશે ઈષ્ટ જણાતાં હતાં; વળી, અન્ય શું કરે છે તે પ્રતિ નહિ પણ પોતાને શું કરવાનું છે તે પ્રતિ જોવાનું ધ્યેય તેમણે રાખ્યું હતું, પરિણામે ભાવિમાં આવેલી ઘણી ઘણી મુશ્કેલીઓ તેઓ સહેલાઈથી આત્મવિકાસ કરવા સાથે પાર કરી શક્યા હતા.
૨૧૭