________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
એમને નાની વયમાં જ જ્ઞાનપીપાસા બહુ બળવાન બની હતી. તેથી આ અરસામાં તેમણે સર્વ દર્શનનાં ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાનો પુરુષાર્થ આદર્યો હતો. અનેક પ્રકારનાં વિરોધી દેખાતા ગ્રંથવાંચનના બહોળા અભ્યાસનાં ફળરૂપે તેમના જીવનમાં મંથનકાળની શરૂઆત થઈ.
આ મંથનકાળની શરૂઆત લગભગ વિ.સં.૧૯૩૭માં, તેમની તેર વર્ષની વયથી થઈ. તેમણે જૈનસૂત્રો વાંચ્યા ત્યારે તેમાંના કેટલાક સિદ્ધાંતો પોતાની બુદ્ધિને અને લાગણીને અનુકૂળ લાગ્યા, તેથી તે વિશે વધારે ઊંડું જ્ઞાન મેળવવાની પિપાસા જાગી, અને તેમાંથી સર્વ દર્શન વિશે જાણકારી લઈ, સત્યમાર્ગનું શોધન કરવાની બળવાન અભિલાષા તેમને તેર-ચૌદ વર્ષની લઘુવયે ઉગ્ર થઈ. તેના પરિણામે એ વયે જેટલા ધર્મગ્રંથો ઉપલબ્ધ થયા તે સર્વનો અભ્યાસ કરી લેવાનો તેમણે પ્રયત્ન કર્યો. જે વયે સામાન્ય જ્ઞાન પણ જીવ માંડ મેળવી શકે, તે વયે કૃપાળુદેવે મહાપંડિતને યોગ્ય એવું તત્ત્વશોધનું કામ પાર પાડવા ખૂબ પ્રયત્નો શરૂ કર્યા. આ તેમની આશુતોષ પ્રજ્ઞા અને સત્યશોધનની પ્રબળ ઝંખનાનું આપણને દર્શન કરાવે છે. બીજી તરફ આપણને એ પણ જણાય છે કે એક ધર્મના અભ્યાસથી સત્ય આચરણ તથા મંગલપણાની જાણકારી આવતાં તેઓ અન્ય ધર્મો વિશેનું ઊંડાણ મેળવવાની ઝંખના થવાથી અનેક ધર્મગ્રંથોના અભ્યાસ તરફ વળ્યા હતા. જે તેમની વય કરતાં ઘણું મોટું કાર્ય હતું.
આમ સર્વ દર્શનના ગ્રંથોનો અભ્યાસ ચાલતો હતો, તેમાંથી અમુક મુંઝવણ ઊભી થતાં તેમના આત્માએ નવો વળાંક લીધો. આવેલા પલટાને કારણે આ મહામંથનના કાળમાં તેમની ધર્મશ્રદ્ધા થોડા કાળ માટે ચલિત થઈ ગઈ. એક સાથે ઘણી અપેક્ષાઓ વિચારી નિર્ણય કરવાનો પ્રસંગ આવે ત્યારે જીવ મુંઝાઈને બધું જ છોડી દે છે એવું બનતું જોવામાં આવે છે. એ જ રીતે નાની વયે ઘણાં દર્શનના ધર્મગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવા જતા તેમના આત્માને ખૂબ પરિશ્રમ પડયો અને તેમાંથી ધર્મવાસના ઓછી થઈ ગઈ અને સંસારના સુખશાતાના ભોગવટામાં જ જીવનનું ધ્યેય અને સફળતા રહેલાં છે એવા પ્રકારની માન્યતાએ તેમનાં હ્રદયનો
૨૧૫