________________
કેવળી પ્રભુનો સાથ
હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવોથી મિત્રતા ઇચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહિ. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચારિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે” (આંક ૮૯)
ખુબ પ્રમાણિકપણે અને પૃથકકરણ સહિત લખાયેલી આ સમુચ્ચયવયચર્યા પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે તેમને અગ્યારથી તેર વર્ષની વયમાં વૈષ્ણવ તથા જૈન એ બંને સંપ્રદાયના ધાર્મિક સંસ્કારો મળ્યા હતા, બંનેમાં રહેલ આચારવિચારની ભિન્નતાની તુલના તેમની કુશાગ્ર બુદ્ધિ કરતી હતી, અને એમાંથી પોતાને જે સારું લાગે તેનો સ્વીકાર મતાગ્રહ કે દુરાગ્રહ સેવ્યા વિના તેઓ કરતા હતા. આ મહામુનિઓને પણ દુર્લભ એવો ગુણ છે, જે હૃદયની ઉદારતા બતાવે છે. જૈનની જગત્કર્તા ઈશ્વરની અમાન્યતા તેમને અયોગ્ય લાગતી હતી. છતાં જૈનની ‘સર્વ જીવોથી ઇશ્કેલી મૈત્રી' તેમને ખૂબ જ પ્રિય હતી, આ બતાવે છે કે જે યોગ્ય લાગે તેનો સ્વીકાર તેઓ નિર્માની બની કરી શકતા હતા. અમુક માત્રામાં તેમને સ્વપ્રશંસા ગમતી હતી તેમ છતાં તેમનામાં ક્યારેય આત્મશ્લાઘાનો પ્રવેશ થયો ન હતો. આ ગુણ પણ ધર્મના મંગલપણાના પ્રભાવથી તેમનામાં ખીલ્યો હતો, તેમ આપણે કહી શકીએ.
૨૧૪