________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ન માનનારા જૈનો ખોટા છે તેવો તેમનો અભિપ્રાય થયો હતો. તેમની બાળવયની ચર્યા તેમણે બાવીસ વર્ષની પુખ્તવયે લખેલી છે તે આપણે વાંચીએ છીએ ત્યારે તેમનાં અદ્ભુત પ્રમાણિકપણાની છાપ આપણા પર પડ્યા વિના રહેતી નથી. તેમણે જે જે અનુભવ્યું, વિચાર્યું, અમલમાં મૂક્યું તે સર્વ તેમણે નિખાલસપણે અને પ્રમાણિકતાથી સમુચ્ચયવયચર્યામાં પ્રગટ કર્યું છે. આ ગુણો જે જીવ ભાવિમાં ઉત્તમ પાયરીએ ચડવાનો હોય તેનામાં જ આટલી વિશદતાથી ફૂટ થઈ શકે એ આપણે જગતજીવોની વર્તના વિચારીએ ત્યારે યથાર્થતાથી સમજાઈ જાય છે. આપણે સમુચ્ચયવયચર્યા વિચારીએ છીએ ત્યારે તેમાં કૃપાળુદેવનાં ઉત્તમ ભાવિનાં બીજાંકુરો જોવા મળે છે. જે ધર્મના મંગલપણાનો પરિચય કરાવવાની સમર્થતા ધરાવે છે.
જૈન પ્રતિના અભાવકાળમાં તેમને જૈનોના સમાગમથી જૈનનાં સામાયિક, પ્રતિકમણ આદિ સૂત્રો તેમના વાંચવામાં આવ્યાં. તે સૂત્રોમાં જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના ભાવેલી છે, આ ભાવના જોઈ તેમને એ સૂત્રો પ્રતિ ઘણો શુભ ભાવ થયો, કારણ કે તેઓ પણ સર્વ જગતજીવો સાથે બાળવયથી જ મૈત્રીભાવ ઇચ્છતા હતા. તેમને બાર-તેર વર્ષની વય સુધી જગતકર્તા તરીકે ઈશ્વરની માન્યતા હતી, અને બાહ્ય આચારવિચાર વૈષ્ણવોના પ્રિય હતા. તે પછીથી ધર્મ ગ્રંથોનો તેમનો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ વિચારણા તથા અનુભવના આધારે તેમની માન્યતામાં ફેરફાર થયેલો આપણને જોવા મળે છે. તેમણે સમુચ્ચયવયચર્યામાં નોંધ્યું છે કે, –
“જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ
૨૧૩