________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
છાપ તેમને ધર્મારાધન પ્રતિ દોરી રહી હતી. જેને લીધે ધર્મારાધન પ્રતિ જવું અને ધર્મનું મંગલપણું અનુભવવું તેમના માટે સુલભ થયેલું હતું.
સાત વર્ષની લઘુવયે એટલે કે વિ.સં. ૧૯૩૧માં તેમને જાતિસ્મૃતિજ્ઞાનની શરૂઆત થઈ હતી. વવાણિયામાં તેમના પાડોશમાં રહેતા શ્રી અમીચંદભાઈનાં અવસાનનાં નિમિત્તથી તેમને આ જ્ઞાન પ્રગટવાની શરૂઆત થઈ હતી. જ્યારે તેમણે બાવળના ઝાડ ઉપર ઊભા રહીને, પોતાને પ્રિય એવા શ્રી અમીચંદભાઈના દેહને સ્મશાનમાં બળતો જોયો ત્યારે તેમના હૃદયમાં વેરાગ્યની ભરતી આવતાં, “પોતે આવું કંઈક પૂર્વમાં જોયું છે” એવી સ્મૃતિ મનમાં રમવા લાગી. તે વિશે વૈરાગ્યને કારણે અંતરંગમાં ઊંડા ઊતરતાં, તેમને પોતાની પૂર્વની મુનિપર્યાયનો દેહ છોડતી વખતની દશાની સ્મૃતિ ઉપસી આવી. તે સ્મૃતિની ઝલકને કારણે તેમના અંતરવૈરાગ્યની વૃદ્ધિનો આરંભ થયો. આ જ્ઞાનની સ્મૃતિને અનુલક્ષીને તેમણે “ધન્ય રે દિવસ આ અહો!' એ સ્વવૃતાંતનાં કાવ્યમાં લખ્યું છે કે, “ઓગણીસસે ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે.” અપૂર્વ અનુસાર એટલે આ જન્મમાં પૂર્વે અનુભવ્યો ન હોય તેવો અણસાર, અણસાર એટલે ચિહ્ન. પૂર્વ ભવના પ્રસંગની સ્મૃતિ આવી હતી તેનો નિર્દેશ અહીં આપણને જોવા મળે છે. પૂર્વ ભવ છોડતી વખતે રહેલા દેહાધ્યાસને કારણે તથા ગર્ભવાસનાં ભયંકર દુ:ખનાં વેદનને કારણે જે આવરણો બંધાય છે તેને કારણે મનુષ્યનો પ્રારંભના સાત વર્ષ સુધી આત્માર્થે પ્રગટ વિકાસ થઈ શકતો નથી, સાત વર્ષ પૂરાં થયાં પછી જીવ આવરણો ઘટાડી આત્માર્થે કાર્ય કરી શકે છે. આવો ઉદય કૃપાળુદેવમાં અહીં જોઈ શકાય છે, જે ધર્મના મંગલપણાના સ્પષ્ટ અનુભવનો સ્વીકાર આપે છે. જાતિસ્મૃતિજ્ઞાનના પ્રભાવથી જીવને વૈરાગ્ય તથા નિર્વેદ પ્રગટે છે અને વધે છે. તેથી આ જ્ઞાન જીવને સમકિતની પ્રાપ્તિ તરફ તથા તે જ્ઞાનની શુદ્ધિ કરવા પ્રતિ દોરી જાય છે. આવી સમજણ આપણને શાસ્ત્રમાંથી મળે છે, અને પ્રત્યક્ષપણે અનુભવવા પણ મળે છે. જાતિસ્મૃતિજ્ઞાનથી જન્મતા વૈરાગ્યને લીધે જીવને સંસારનાં જન્મમરણનાં દુઃખથી છૂટવાના ભાવ દૃઢ થાય છે. તે જીવ સહુ સાથેના અશુભ સંબંધથી છૂટવા પ્રયત્નવાન થાય છે. અને તેનામાં ક્ષમા, આદિ ગુણોનો વિકાસ થવાની શરૂઆત થાય છે. જે
૨૦૯