________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કૃપાળુદેવ ત્રણચાર વર્ષના થયા ત્યારથી તેમના કેટલાક ગુણોનો તેમજ તેમને વરેલી તીવ્ર સ્મરણશક્તિનો સામાન્ય પરિચય તેમનાં કુટુંબીજનોને તથા આડોશીપાડોશીઓને થવા લાગ્યો હતો. આ ઉપરાંત શાંતિવાળી રમતગમત પ્રત્યેની તેમની રુચિ, તોફાન તરફનો અણગમો, વસ્ત્ર આદિ પ્રત્યેની સહજ નિસ્પૃહતા તેમનામાં એ લઘુવયે પણ જોવાં મળતાં હતાં. સાત વર્ષ સુધીની વયનો સમય તેમણે બાળસુલભ રમતગમતમાં પસાર કર્યો હતો. એ રમતોમાં તેમને વિજય મેળવવાની તથા રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તીવ્ર ઇચ્છા ક્યારેક ક્યારેક થતી હતી. પરંતુ ખાવાપીવાની, સૂવા બેસવાની, સારાં વસ્ત્રો પહેરવાની કે તેને સ્વચ્છ રાખવાની વગેરે બાબતોમાં તેમની નિસ્પૃહતા વરતાઈ આવતી હતી, અર્થાત્ એ વિશે તેઓ વિદેહી દશા અનુભવતા હતા. આમ આ નાની વયમાં તેઓ સાંસારિક ભૌતિક સુખો ભોગવવામાં નહિ, પરંતુ કલ્પનાના સુખમાં વધારે રાચતા હતા. કારતક સુદ ૧૫, ૧૯૪૬ના દિવસે લખાયેલાં તેમનાં જ આ વચનો જુઓ (આંક ૮૯)૧
-
“સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અલ્પવયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠાં છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંનો મને અનેક પ્રકારે અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા કૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહત્ વિચારો કરી નાખ્યા છે. મહત્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું તો
૧ નોંધ – આ પ્રકરણમાં લીધેલા સર્વ અવતરણોના આંક અગાસથી પ્રસિધ્ધ થયેલ ‘શ્રીમદ્ રાજચંદ્ર’
ગ્રંથમાંથી લીધેલા છે.
૨૦૭