________________
પ્રાકથન
શ્રી કૃપાળુદેવનાં વચનામૃતનાં વારંવારનાં વાંચન તથા અભ્યાસના પરિણામે કૃપાળુદેવને જીવમાત્ર પ્રતિ કેવો પ્રેમભાવ હતો, સર્વ જીવોનું કલ્યાણ થાય એ ભાવ કેવી ઉત્કૃષ્ટતાએ વર્તતો હતો, તેમની કલ્યાણભાવના કેટલી બળવાન હતી તે સર્વ વિશેની મને સ્પષ્ટતાથી સમજ મળતી ગઈ, તેની સાથે સાથે તેમની કૃપાથી મળેલા અનુભવોને લીધે પ્રાણીમાત્ર માટે આપણે કલ્યાણ ઇચ્છવું કેટલું જરૂરી છે તે મને સમજાતું ગયું. એનું પરિણામ એ આવ્યું કે ‘સહુ જીવ શાંતિ પામો’, ‘સહુ શાશ્વત સુખ મેળવો’, એવા ભાવ મારામાં ઇ.સ.૧૯૬૮થી સહજતાએ ખૂબ વધવા લાગ્યા. તે ભાવ એવા સહજ થઈ ગયા કે એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ પ્રતિ દૃષ્ટિ જાય તેના માટે ભાવ થાય કે, ‘પ્રભુ! આ જીવનું કલ્યાણ કરો.' આવા ભાવ કરતી વખતે ક્યારેય મને કર્તાપણાનો ભાવ આવ્યો નથી; એ મને બરાબર સ્મૃત છે. પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનું બળવાનપણું દિનપ્રતિદિન વધતું જતું હતું. સંશી, અસંશી જે કોઈ જીવ સ્મૃતિમાં આવે તેના માટે મારો આત્મા સહજતાએ કલ્યાણ ઇચ્છતો. જે કોઈનો સંપર્ક થાય તેના માટે પણ પ્રભુ પાસે મારો આત્મા કલ્યાણ માગી લેતો. અને સમગ્રરૂપે સહુ કલ્યાણ પામે એ ભાવ ઉત્તરોત્તર સતત ઘટ્ટ બનતો રહ્યો છે. કોઈ મારી ટીકા કરે, મારા માટે અશુભ બોલે કે અયોગ્ય વર્તન કરે તે સર્વ જાણવા છતાં ઉપર જણાવેલી વર્તતી ભાવનાના કારણથી મને તેઓ કોઈ માટે અશુભભાવ કે અભાવ ન થતાં, તેમના માટે પણ કલ્યાણભાવ જ થયા કરતો. પરિણામે કંઈક જીવો સાથે પૂર્વમાં બંધાયેલા અશુભ સંબંધ શુભમાં પલટાતા અનુભવાયા છે. અને ભવોભવ ચાલે તેવાં બળવાન અશુભ કર્મો પણ ગણતરીનાં વર્ષોમાં ખપી જતાં શ્રી કૃપાળુદેવની કૃપાથી જોયાં છે. એમના આ મહાન ઉપકારને કદી પણ વિસરી શકાય તેમ નથી. તેથી વર્તમાનમાં તો એ જ ભાવ પ્રવર્તે છે કે તેમનાં પગલે પગલે ચાલી, સહુ જીવો માટે ભેદભાવરહિતપણે કલ્યાણ ઇચ્છતાં ઇચ્છતાં, જીવ સમસ્ત સાથેનો મૈત્રીભાવ વહેલામાં વહેલી તકે તેમની અસીમ કૃપાથી અને આજ્ઞાથી કેળવી લેવો છે. પ્રભુકૃપાથી મારા આ ભાવમાં કદી પણ ઓટ ન આવે એ જ માંગું છું. સર્વ પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી કલ્યાણમાર્ગનું સાતત્ય જળવાઈ રહો એ જ અભ્યર્થના છે.
xxi