________________
કેવળી પ્રભુનો સાથ
અસંબદ્ધ કંઈ જ નથી. બધું જ સ્પષ્ટ છે. ભગવાન રૂડા છે - તે પણ સત્ય છે. સુરતિ આદિ હસ્યાં છે, અનાદિનાં ખસ્યાં છે - આ સત્ય છે. આદિપુરુષ રમત માંડીને બેઠો છે - તે પણ સત્ય છે. આમ અત્યંતર અવલોકન છે - તે પણ સત્ય છે.”
ભૂલમાં સત્ય ને બદલે અસત્ય શબ્દ લખ્યો તેની શિક્ષારૂપે મારી પાસે સત્ય શબ્દ ઘણીવાર લખાવ્યો. સાથે સાથે તે વચનોનાં ગૂઢાર્થ મને અંતરમાં સમજાતા ગયા. પણ લખાણમાં તો કોઈ પ્રસંગના અનુસંધાનમાં ઉચ્ચારાયેલાં વચનો સત્ય છે એમ જ આવતું ગયું. અને આ અનુભવ દ્વારા આખું અત્યંતર અવલોકન શ્રી કૃપાળુદેવ દ્વારા કેવી રીતે લખાયું છે તેની ચાવી પ્રભુએ મને બતાવી દીધી, અને મારા પર તેમણે અવર્ણનીય ઉપકાર કર્યો, તે દિવસ મારો ધન્ય ધન્ય હતો.
આમ જુદા જુદા સમયે થયેલા જુદા જુદા અંગત અનુભવોના આધારે આ ત્રીજા ભાગનાં ચાર પ્રકરણ - શ્રી અરિહંતનો મહિમા, ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું અને આણાએ ધમ્મો, આણાએ તવો (આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ) ની ભૂમિકા રચાતી ગઈ. પાયાનું ઊંડાણ વધુ ને વધુ મજબૂત થતું ગયું. આ સાથે પ્રભુની આજ્ઞામાં રહેવાથી કેવા કેવા ફાયદા થાય છે તેની સ્પષ્ટ અનુભૂતિ મળતી ગઈ. અને જીવન માટે પ્રભુની આજ્ઞામાં રહેવાથી ધર્મ તથા તપ કેવી રીતે આચરણમાં આવે છે તેની ખૂબીઓ મારી પાસે પ્રગટ થતી ગઈ. આ અનુભૂતિના કારણે “આણાએ ધમ્મો, આણાએ તવો એ પ્રકરણનું લખાણ શક્ય બન્યું. વળી, આ બધું લખાણ તથા કાર્ય પ્રભુની ઇચ્છાથી અને આજ્ઞાથી થાય છે, તેથી જે કંઈ સારું અને ઉત્તમ લાગે તેનો યશ શ્રી પ્રભુના ફાળે જાય છે, અને તેમાં જે કંઈ દોષરૂપ લાગે તે મારી છદ્મસ્થ જીવની ચૂક છે એમ જાણી ક્ષમા કરજો.
XX