________________
કેવળી પ્રભુનો સાથ
આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યે સમયસારની ૩૪મી ગાથામાં કહ્યું છે કે “પોતાનાથી ભિન્ન સમસ્ત પરપદાર્થોને ‘આ પર છે’ એમ જાણીને જ્યારે ત્યાગી દેવામાં આવે છે ત્યારે તે પ્રત્યાખ્યાન, અર્થાત્ ત્યાગ કહેવામાં આવે છે.” એટલે કે ૫રને ૫૨ જાણીને એનાથી મમત્વભાવ તોડવો એ જ ત્યાગ છે.
ઘણીવાર લોકો ત્યાગ અને દાનના અર્થ વચ્ચે ભેળસેળ કરીને એકબીજાના પર્યાય રૂપે સ્વીકારે છે, પણ તે તેમ નથી જ.
ત્યાગ એ ધર્મ છે, દાન પુણ્ય છે. ત્યાગી પાસે પરિગ્રહ હોતો નથી, દાની પાસે પુષ્કળ પરિગ્રહ હોઈ શકે છે. ત્યાગ વસ્તુને નિરુપયોગી અથવા અહિતકારી જાણીને કરવામાં આવે છે, જ્યારે દાન ઉપયોગી અને હિતકારી વસ્તુનું કરવામાં આવે છે. ઉપકાર કરવાના આશયથી ધનાદિ પોતાની ગણાતી વસ્તુ આપવી એ દાન છે એમ તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ લખે છે. ત્યાગમાં સ્વઉપકાર સર્વસ્વ છે, બીજાના ઉપકાર માટે મોહ કે રાગદ્વેષ છોડવામાં આવતા નથી. દાનમાં પરોપકાર મુખ્ય છે અને સ્વ ઉપકારનો ભાવ ગૌણ હોય છે.
વળી જે દાન આપે તેનું કર્તવ્ય થાય છે કે જે કાર્ય માટે દાન આપ્યું હોય તે હેતુ પરિપૂર્ણ થાય છે તે જોવું. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપ્યું હોવાથી દાનીને એની વ્યવસ્થા જોવા જાણવાની જરૂર રહે છે. દાન લોભકષાય મંદ થતાં અપાય છે ત્યારે ત્યાગ લોભકષાય તૂટતાં થાય છે. મોહ કે રાગના આંશિક અભાવમાં પણ ત્યાગધર્મ પ્રગટ થાય છે, આથી ત્યાગી જે ત્યાગે છે તેનું લક્ષ પણ તેણે રાખવાનું હોતું નથી. આમ દાનમાં પરોપકારનો અને ત્યાગમાં આત્મહિતનો મુખ્યભાવ રહેલો છે. બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ આ જ છે.
ત્યાગ એ નિશ્ચયધર્મ છે, દાન એ વ્યવહારધર્મ છે. વ્યવહા૨ધર્મથી વિકાસ કરી નિશ્ચયધર્મ સુધી જીવે પહોંચવાનું છે. દાન વ્યવહારધર્મ હોવાથી પરોપકાર સંબંધી અને સવિકલ્પ હોય છે, તેથી તે પુણ્યબંધનું કારણ થાય છે, બંધના અભાવનું નહિ. ત્યારે ત્યાગ અબંધનું કારણ છે.
૧૮૨