________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સ્વાધ્યાય તપ એવું છે કે તેમાં અન્ય તપથી થતા લાભ થવા ઉપરાંત જ્ઞાનવૃદ્ધિનો મોટો લાભ થાય છે. વળી તે તપ દિવસના કે રાતના કોઈ પણ ભાગમાં કરી શકાય છે.
તે પછીનું આંતરતપ તે કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહના મમત્વનો ત્યાગ કરવામાં આવે છે.
અંતિમ આંતર તપ તે ધ્યાન છે. તે સર્વોત્કૃષ્ટ તપ છે. તેમાં જીવ દેહ, ઇન્દ્રિય આદિથી પર બની સ્વમાં એકાકાર થઈ જાય છે. આ અવસ્થામાં જ જીવને સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આ ધ્યાન એ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો નિર્દેશ કરે છે. પરપદાર્થ પરની એકાગ્રતા એ સાચું ધ્યાન તપ નથી, પણ વિષયવિકાર તથા ૫૨૫દાર્થ પરથી ચિત્તને દૂર કરી આત્માના શુધ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે ધ્યાન તપ છે.
ઉત્તમ ત્યાગ
દ્વાદશાનુપ્રેક્ષામાં લખ્યું છે કે “જિવેંદ્ર ભગવાને કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ પરદ્રવ્યોથી મોહ છોડીને સંસા૨, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગધર્મ હોય છે.”
આચાર્ય જયસેને શ્રી પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ત્યાગને સમજાવતાં લખ્યું છે કે “નિજ શુદ્ધાત્માના ગ્રહણપૂર્વક બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ છે.”
આ પરથી સ્પષ્ટ થાય છે કે ત્યાગ શબ્દ નિવૃત્તિસૂચક છે. ત્યાગધર્મમાં બાહ્યાંતર પરિગ્રહનો ત્યાગ થતો હોવા છતાં નિજ શુધ્ધાત્માનું ગ્રહણ અર્થાત્ શુધ્ધ ઉપયોગ અને શુધ્ધ પરિણતિ સમાવિષ્ટ છે. બીજી રીતે કહીએ તો ત્યાગ પદ્રવ્યોનો નહિ પણ પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા મોહ – રાગદ્વેષનો થાય છે.
૧૮૧