________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પછી પણ અર્ધભૂખ્યા રહેવામાં ઇચ્છાનો નિરોધ વિશેષ જોઈએ છે. આથી અનશન કરતાં ઉણોદરીને ઊંચું તપ કહ્યું છે. વળી ઉણોદરી કાયમ માટે થઈ શકે છે, અનશન નહિ. એ જ પ્રમાણે ભોજન માટે બેઠા પછી અટપટા નિયમાનુસાર આહાર મળે તો જ ગ્રહણ કરવો, એ રીતે વૃત્તિસંક્ષેપથી વર્તવામાં વિશેષ ઇચ્છાનિરોધ છે. અને સરસ ભોજન મળવા છતાં નીરસ આહાર કરવો (રસ પરિત્યાગ) એ એથી પણ વિશેષ ઇચ્છાનિરોધ માગે છે.
નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત સૂવા બેસવાની વૃત્તિ એ વિવિક્ત શય્યાસન તથા આત્મસાધના અને આરાધનામાં થનાર શારીરિક કષ્ટોની પરવા ન કરવી તે કાયક્લેશ તપ છે, અહીં શરીરને ઇચ્છાપૂર્વક પીડા પહોંચાડવાની વાત નથી, પણ પીડા આવી પડે તો પણ આત્મારાધનમાં શિથિલ ન થવું એ મુખ્ય વાત છે.
બાહ્યતપ મુખ્યતાએ શરીર સાથે સંબંધ ધરાવે છે ત્યારે આંતરતપ મુખ્યતાએ મનના સંયમ સાથે સંબંધ ધરાવે છે. મનને વશ કરવા માટે આંતરતપને બાહ્યતપનો સથવારો મળે છે એ દૃષ્ટિએ બાહ્યતપ પણ જરૂરી છે.
આંતરતપમાં પહેલું તપ પ્રાયશ્ચિત્ત છે. આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવથી એવી કેટલીયે ભૂલો થાય છે જે જીવનો સંસાર વધારે છે. તેવા સંજોગોમાં થયેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા ઇચ્છી, થયેલી ભૂલ માટે દંડ સ્વીકારવો એ પ્રાયશ્ચિત્ત નામનું તપ છે. આ તપથી જીવ મનપરિણામની શુદ્ધિ કરી નવા બંધ અલ્પ કરે છે, અને વિશેષતાએ નિર્જરા કરી પૂર્વસંચિત કર્મો પણ ઘટાડે છે.
તે પછીનું બીજું આંત૨તપ તે વિનયતપ. વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે ઉપચાર વિનય છે. મનુષ્યગતિમાં જીવને માનભાવનો ઉદય બળવાનપણે વર્તતો હોય છે, તેથી જીવ સામાન્યપણે માનભાવમાં રહી સત્નો અનાદર કરતો
૧૭૯