________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ સંયમને શ્રી પ્રભુએ સત્તર ભેદે સમજાવ્યો છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને ચાર કષાયત્યાગ એ સત્તર ભેદ સંયમના જણાવ્યા છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત, ઇર્યા, ભાષા, એષણા, આદાનપ્રદાન અને પ્રતિસ્થાપના એ પાંચ સમિતિ, મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિ અને ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયનો ત્યાગ એ સંયમ સ્થાનો છે.
જીવને જ્યારે શુધ્ધ થવાની તાલાવેલી લાગે છે ત્યારે સંસાર પરિભ્રમણ વધારનાર સર્વ કાર્યો કરવાં તેને બોજારૂપ લાગે છે. પૂર્વ કર્મની નિવૃત્તિ અર્થે તે ગૃહસ્થજીવન જીવે છે ખરો, પણ તેનું લક્ષ તો સર્વ પ્રકારે સંવર કરી આત્મસાધનામાં જ રહેવાનું રહે છે. આ ભાવનાના પરિપાકરૂપે જ્યારે તેને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વસંગ પરિત્યાગ કરી પાંચ મહાવ્રતધારી થાય છે. અને પોતાના આત્માને નવીન કર્મબંધોથી રક્ષિત કરતો જાય છે.
આ મહાવ્રતોમાં અહિંસા વ્રત એ સૌથી પ્રથમ અને ઊંચું વ્રત છે. આ વ્રત ધારણ કરી જીવ આરંભમાં છકાયની ધૂળ રક્ષા કરે છે, પ્રાણત્યાગ થાય એવા વર્તનથી છૂટતો જાય છે, અને ક્રમે ક્રમે વિકાસ કરી ચૂળમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકારનાં હિંસાત્યાગ સુધી જાય છે. એ વખતે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવની મન, વચન કે કાયાના યોગથી લેશ માત્ર દૂભવણી ન થાય, તેને અંશમાત્ર પણ દુ:ખ પહોંચે નહિ તેની કાળજી કરે છે. અને એમ કરી પોતાના આત્માને કર્મબંધથી બચાવે છે.
અહિંસા વ્રત સાથે સત્યવ્રત ધારણ કરે છે. આરંભમાં આ વ્રત પ્રમાણે તે જીવ આત્માને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવોને દુ:ખનું કારણ ન થાય તેવી રીતે વર્તના કરવાનો પુરુષાર્થ કરે છે. અંતમાં આ વ્રતના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકાર સુધી વિકાસ કરે છે. અને પોતાનાં સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે કર્મબંધના ભારથી બચાવતો જાય છે.
૧૬૫