________________
કેવળી પ્રભુનો સાથ
જો વિષયોની બાહ્ય પ્રવૃત્તિના ત્યાગનું નામ જ સંયમ હોય તો પછી તે સંયમ દેવોમાં અવશ્ય હોવો જોઈએ, અને મનુષ્યો તથા તિર્યચોમાં તેની સંભાવના ઓછી હોવી જોઈએ. પણ જિનેશ્વર કથિત શાસ્ત્રાનુસાર સંયમ દેવોમાં નહિ પણ મનુષ્યોમાં હોય છે. તેથી સિદ્ધ થાય છે કે સંયમ એ બાહ્ય પ્રવૃત્તિનું નામ નથી, પણ આંતરિક વૃત્તિનું નામ છે. જે માનવમાં હોય છે, દેવામાં નથી. વસ્તુતઃ સંયમ એ સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિનું નામ છે. એ છઠ્ઠા ગુણસ્થાન અને તેથી ઉપરની અવસ્થાએ વસતા મુનિઓને અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવમાં પ્રગટે છે. જ્યારે આ પરિણતિરૂપ ઉત્તમ સંયમ અંતરંગમાં પ્રગટ થાય છે ત્યારે તે જીવની બાહ્ય પરિણતિ પણ પંચેન્દ્રિયના વિષયો અને હિંસાદિ પાપોના ત્યાગરૂપ હોય છે. તેને વ્યવહારથી ઉત્તમ સંયમ ધર્મ કહે છે. આ અંતરંગ પરિણતિના અભાવમાં ગમે તેવો ઉગ્ર બાહ્યત્યાગ હોય તો પણ તે ઉત્તમ સંયમધર્મ નથી.
જીવને સ્વાનુભૂતિ જાગ્યા પછી, અંતરંગમાં પૂર્ણ શુધ્ધ થવાની જે બળવાન તમન્ના જાગે છે તેને કારણે એ પ્રાપ્તિમાં બાધાકારક નીવડતા સર્વ આચાર ત્યાગતો જાય છે. કર્મોના સંવર પર વિશેષ વિશેષ ભાર મૂકતો જાય છે. આ સંવર બીજી અપેક્ષાએ સત્તરભેદે સંયમ તરીકે ઓળખાય છે. તેને આત્માનુભૂતિ અને આત્મરમણતાની એવી તાલાવેલી લાગી હોય છે કે આત્મરમણતામાં લઇ જનાર સર્વ તત્ત્વને ઉપાસે છે અને તેનાથી વિમુખ કરનાર સર્વ તત્ત્વનો ત્યાગ કરતો જાય છે. આ આત્માને સ્વરૂપમાં જોડવાની જે લગની છે તે તેના આચાર વિચારને સંયમી કહેવડાવે છે. આવી સ્વરૂપલગનીનો અભાવ હોવાથી બાહ્યાચાર પ્રમાણે દેવોમાં હિંસાત્યાગ કે ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ, અલ્પ હોવા છતાં દેવો સંયમી કહેવાતા નથી. તેમને કર્મોદયના કારણે કામભોગની પ્રવૃત્તિ અતિ મંદ હોય છે, નહિ કે ઇચ્છાપૂર્વક. જ્યારે મનુષ્યની કામભોગની પ્રવૃત્તિની મંદતા સમજપૂર્વક અને ઇચ્છાપૂર્વક હોય છે અને સાથે સાથે સ્વરૂપ પ્રાપ્તિની લગની હોય છે ત્યારે તે હિંસાત્યાગ અને ઇન્દ્રિયના વિષયભોગની મંદ પ્રવૃત્તિ સંયમ બને છે.
૧૬૪