________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે વિષયોના ત્યાગને ઇન્દ્રિયસંયમ કહે છે. આ વિશે પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે કે,
“બાહ્ય ત્રસ સ્થાવરની હિંસા તથા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિ તેને અવિરતિ જાણે છે, હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષયસેવનમાં અભિલાષા મૂળ છે એનું અવલોકન કરતો નથી. તથા બાહ્ય ક્રોધાદિ કરવા એને કષાય જાણે છે, અભિપ્રાયમાં જે રાગદ્વેષ રહેલા છે એમને ઓળખતો નથી.”
જો બાહ્ય હિંસાત્યાગ અને ઇન્દ્રિયોના વિષયમાં અપ્રવૃત્તિ તેનું નામ સંયમ હોય તો પછી દેવગતિમાં પણ સંયમ હોવો ઘટે કેમકે બાર દેવલોકની ઉપર ગ્રેવયેકમાં તો ઉક્ત વાતોની પ્રવૃત્તિ સંયમી પુરુષો કરતાં પણ ઘણી ઓછી જોવામાં આવે છે. અનુત્તર વિમાનમાં તો અહમિન્દ્રોને પંચેન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ ખૂબ જ અલ્પ કે નહિવત્ જ હોય છે. આહાર જેવી વસ્તુની ઇચ્છા પણ ૩૩૦૦૦ વર્ષ સુધી તેમને થતી નથી, અને જ્યારે આહાર લેવાનો વિકલ્પ ઊઠે છે ત્યાં અમૃત વરસી તૃપ્તિ આપી દે છે. એ જ પ્રમાણે ઘ્રાણ, ચક્ષુ અને કર્મેન્દ્રિયના વિષયોમાં પણ પ્રવૃત્તિના અભાવ જેવું જ હોય છે. છકાયનાં જીવોની હિંસાનો પ્રસંગ પણ ત્યાં હોતો નથી, કેમકે તેમને શુક્લ લેશ્યા હોય છે. આવી લગભગની સ્થિતિ ચૈવયેકના મિથ્યાદષ્ટિ અનિંદ્રોમાં પણ જોવા મળે છે. આવી પાપપ્રવૃત્તિથી અળગા રહેનારા દેવો માટે પણ શાસ્ત્રકાર જણાવે છે કે આ દેવો અસંયમી છે.
ત્યારે બીજી બાજુ અણુવ્રતી શ્રાવકો જેમને સંયમ કહ્યો છે, તેઓ પંચેન્દ્રિયના વિષયો ભોગવતા દેખાય છે. ઉદા. સ્વદારાભોગ (સ્પર્શેન્દ્રિય), આહાર ગ્રહણ (રસના), સુગંધી દ્રવ્ય લેપન (ઘ્રાણેંદ્રિય), મનોરમ્ય દૃશ્યો નિહાળવા (ચક્ષુ), કર્ણપ્રિય સંગીત સાંભળવું (કર્ણેન્દ્રિય) ઇત્યાદિ. વળી તે શ્રાવકો ઉદ્યોગી, આરંભી ત્રસહિંસાથી બચવા પામતા નથી અને પ્રયોજનભૂત સ્થાવરહિંસા તો તેમને હોય જ છે.
૧૬૩