________________
કેવળી પ્રભુનો સાથ
ત્રીજું વ્રત તે અસ્તેય વ્રત પણ ગ્રહણ કરે છે. અસ્તેય એટલે કોઇ પણ અદત્ત વસ્તુ લેવી નહિ, નાની ધૂળની ચપટી પણ આજ્ઞા વિના રહણ ન કરવી, ત્યાંથી શરૂ કરી તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકાર સુધી વિકાસ કરે છે. કોઈ પણ વિભાવને કારણે આત્મા પુગલ પરમાણુઓ કર્મસ્વરૂપે ગ્રહણ કરે છે અને તેને અદત્તાદાન ગ્રહણ અથવા ચોરી કહી છે. પોતાના આત્માને સ્વભાવમાં રાખવા માટે એટલો પુરુષાર્થ કરે છે કે ઘાતી કર્મોના અલ્પાતિઅલ્પ બંધ થાય.
ચોથું મહાવત તે બ્રહ્મચર્ય વ્રત. આ વ્રતમાં જીવ સ્થૂળ મૈથુનથી સર્વ પ્રકારે વિરમે છે ત્યાંથી આરંભ થાય છે. અને સૂક્ષ્મતાએ વિચારતાં આત્મસ્વરૂપમાં સતત રમણતા કરવી અથવા સતત રમણતામાં જવાય તેવા પુરુષાર્થમાં રત રહેવું ત્યાં સુધીનો વિકાસ કરે છે. બ્રહ્મમાં ચરવું અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું એ જ બ્રહ્મચર્ય છે. આ રીતે જીવ જ્યારે સ્વરૂપરમણતામાં એકાકાર થાય છે ત્યારે નવીન કર્મબંધ ભાગ્યે જ થાય છે અને જૂના કર્મબંધની સકામ નિર્જરા અસંખ્યગણી વધી જાય છે.
પાંચમું મહાવ્રત તે અપરિગ્રહવ્રત. જીવ સર્વસંગ પરિત્યાગ કરી મુનિજીવનનો આરંભ કરે છે ત્યારે ધન, વૈભવ, કુટુંબ આદિ ધૂળ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. અને મુનિજીવનમાં રહ્યા રહ્યા ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયથી નિષ્પન્ન થતો કર્મપુદ્ગલના ગ્રહણરૂપ આંતર પરિગ્રહ છોડવાનો પુરુષાર્થ આદરે છે. અને તે સર્વ પ્રકારનાં કર્મથી મુક્ત થઈ, પૂર્ણ શુધ્ધ થાય ત્યાં સુધી વિકાસ કરે છે.
આ પાંચ મહાવ્રત સ્થળ અને સૂક્ષ્મતાએ સમજાય છે ત્યારે તેમાં રહેલા અદ્ભુત વિકાસક્રમ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. વ્રતના ક્રમમાં સૌ પ્રથમ અહિંસાવ્રત આવે છે. જીવ અનાદિકાળથી પરભાવમાં જ રમ્યા કર્યો છે, અને પરની દૂભવણી દ્વારા હિંસાને આચરી સ્વરૂપ વિમુખ થયો છે. આ ભૂલ જ્યાં સુધી સુધરે નહિ ત્યાં સુધી જીવનો વિકાસ થવો શક્ય બનતો નથી. અહિંસા પાલનથી તે અન્ય જીવોને દૂભવતો અટકે છે અને એ જીવો સાથેના મૈત્રીભાવને વિકસાવે છે. પરિણામે તે જીવો મિત્ર બનતાં પોતાનો આત્મા દુઃખની પીડાથી રક્ષાતો જાય છે.
૧૬૬