________________
કેવળી પ્રભુનો સાથ
ઉદયમાં આવતાં પહેલાં જ એ કર્મોને ખેરવવાનો સભાન પુરુષાર્થ કરે છે અને તે દ્વારા કર્મ છોડે છે તે. આવી સકામ નિર્જરા માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેઓ યમ, નિયમ, સંયમ તથા તપશ્ચરણનાં સાધનનો આશ્રય કરીને સકામ નિર્જરા કરી શકે છે. આમ કર્મોની પરિપક્વતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણ દોષવાળું હોય પણ પ્રદીપ્ત અગ્નિવડે શુધ્ધ થાય છે, તેમ તપાગ્નિ વડે સદોષ જીવ પણ શુદ્ધિને પામે છે. તપ બાર પ્રકારે છે, જેના બે મુખ્ય ફાંટા છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્યતા અને પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ આંતરતા અથવા અત્યંતર તપ. આ તપ દ્વારા નિયમધારી પુરુષ પૂર્વ સંચિત કર્મો ક્ષય કરે છે. નિર્જરા માટે બાહ્યતપ કરતાં આંતરતા વિશેષ ઉપકારી છે. તેમાં પણ ધ્યાન તપ શ્રેષ્ઠ છે. ધ્યાનથી ચિરકાળથી ઉપાર્જન કરેલાં અને ઘણાં પ્રબળ કર્મો પણ તત્કાળ નિર્જરી જાય છે. આંતરતપને બાહ્યતપથી વેગ જરૂર મળે છે.
જેમ સરોવરમાં પાણી આવવાનાં કારને ઉપાયોથી બંધ કર્યું હોય તો તે નવા જલપ્રવાહથી પૂરાતું નથી, તે પ્રમાણે આશ્રવદ્વારનો રોધ કરવાથી નવાં નવાં કર્મો વડે જીવ આચ્છાદાતો નથી. પછી જેમ પૂર્વે સંચિત કરેલું સરોવરનું જળ સૂર્યના પ્રચંડ કિરણોથી સૂકાઈ જાય છે, તેમ પૂર્વે બાંધેલાં પ્રાણીઓનાં કર્મ પણ તપશ્ચર્યાના તાપથી તત્કાળ ક્ષય પામી જાય છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણે સમર્થપણે ઉત્કર્ષ પામે છે ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે.
આ પ્રકારે આશ્રવ, સંવર અને નિર્જરા એ ત્રણ ભાવનાને સમજી, તેનો યથાર્થ સમન્વય કરી જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે, તે દ્વારા પહેલી જ ભાવનાના આધારે તેણે જે સંસારનું સ્વરૂપ જાણ્યું અને અનુભવ્યું હતું, તે સ્મૃતિમાં રાખી સંસારક્ષયનો પુરુષાર્થ થાય છે. આ પુરુષાર્થને વેગ આપવા તે જીવ ઉત્તમ સત્ય અને ઉત્તમ સંયમ એ બે આત્મધર્મનો આશ્રય કરી કેવી રીતે સફળ થાય છે તે જોઇએ.
૧૫૮