________________
કેવળી પ્રભુનો સાથ
શકતો નથી. રોગ, શોક, ભય આદિનાં દુઃખો તો તેને સતત પીડતા જ રહે છે. આમ જોઈએ તો આ કષાયો જીવને તેના આત્મસ્વભાવથી વિપરીતપણે પ્રવર્તાવી દુ:ખ અને અશાતાની ખીણમાંથી બહાર જ નીકળવા દેતા નથી. આ લોકમાં અનંતાનંત જીવો આ જ ઘટમાળમાં દુ:ખ, અશાંતિ, ક્લેશ સતત વેદતા રહી પરિભ્રમણ કર્યા કરે છે અને પીડાયા કરે છે.
આવા સંજોગોમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું સપુરુષની કૃપાથી જીવ પ્રાપ્ત કરે છે ત્યારે તેને માટે શાંતિ અને સુખ મેળવવાનો માર્ગ ખુલ્લો થાય છે. તેમાંય ચારે ગતિમાં એ માટેની સૌથી વિશેષ સંભાવના તો મનુષ્ય ગતિમાં જ રહેલી છે. એટલે ધર્મની ઉત્કૃષ્ટ મંગલતાનો વિચાર આપણે આ ગતિના જીવને અનુલક્ષીને કરીએ તો તે સહજ છે. જ્યારે અહિંસા, તપ અને સંયમરૂપ ધર્મનું શરણું ગ્રહણ કરી જીવ સન્માર્ગે વર્તે છે ત્યારે તેનાં આ અનાદિકાળથી ચાલતા પરિભ્રમણનો અંત આવે છે. તે શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થાય છે. અને અનાદિકાળથી ન સાંપડેલાં શાશ્વત સુખની - સનાતન સુખની પ્રાપ્તિ કરે છે, જે સુખની અનુભૂતિથી અનંતકાળ પછી પણ બહાર નીકળવું પડતું નથી. ધર્મનું આ મંગલપણું સૌથી વિશિષ્ટ અને તરત જ નજરે તરી આવે એવું છે.
આ ધર્મ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે, પરંતુ મળ્યા પછી સંપૂર્ણ સુખી થવાનો માર્ગ ખૂબ જ સરળ અને સહેલો છે. સામાન્યપણે જીવ ધર્મારાધન મનુષ્ય જન્મમાં જ કરે છે, અને એ ગતિમાં માનભાવનો ઉપદ્રવ અન્ય ગતિઓ કરતાં ઘણો વિશેષ રહેલો છે. ઘણા ઘણા ભવોમાંથી પસાર થયા પછી જીવને સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. તેમાંય ગર્ભમાંથી હણાય, જન્મતાં મૃત્યુ પામે, બાલવયમાં મૃત્યુ આવે, પૂરી ઇન્દ્રિયો ન હોય, જીવનની ધર્મ કરી શકાય એવી સુવિધા ન હોય, આવા અનેક વિદ્ગો અને અંતરાયવાળા મનુષ્ય જન્મો કલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ નીવડે છે. આથી જે જન્મમાં પાંચ ઇન્દ્રિયો પૂર્ણ હોય, સંજ્ઞા ખીલેલી હોય, ધર્મ કરી શકાય એવી સુવિધા હોય, ધર્મ આરાધવાની ભાવના હોય આદિ સાનુકૂળ સંયોગ હોય એવા મનુષ્ય જન્મ જ સફળ છે.
૧૪૮