________________
કેવળી પ્રભુનો સાથ
સ્વાભાવિકપણે જ ભિન્ન છે. આર્જવધર્મ આત્માનો સ્વભાવ છે, તો માયા કષાય આત્માનો વિભાવ છે. સ્વભાવ હોવામાં પરની જરૂરિયાત નથી, વિભાવમાં ‘પર’ એ નિમિત્તમાત્ર હોય છે. નિમિત્તરૂપે પૂર્વકર્મ કે અન્યબાહ્ય પદાર્થો હોય છે, પણ મન, વચન તથા કાયા હોતાં નથી.
જેમ આર્જવધર્મ માટે મન, વચન તથા કાયા અનિવાર્ય નથી (સિધ્ધોમાં એ વિદ્યમાન છે), તેમ માયાકષાય માટે પણ ત્રણેની વિદ્યમાનતા જરૂરી નથી, કેમકે એકેંદ્રિયને એકલી કાયા જ હોવા છતાં માયા સંભવે છે. તેમ છતાં અન્ય માધ્યમોની ગેરહાજરીમાં મન, વચન, કાયા એ માયાકષાય સમજવા તથા સમજાવવા માટે ખૂબ ઉપયોગી છે. આનું કારણ એ છે કે માયા અથવા આર્જવધર્મને સમજવા તથા સમજાવવાની પ્રવૃત્તિ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય મુખ્યતાએ કરતા હોય છે. મન, વચન, કાયાથી પર એવા સિધ્ધપ્રભુ કોઇને કંઈ સમજાવતા નથી. બીજી બાજુ આમાંથી એકનો અભાવ હોય એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીનાં જીવો સમજી શકતાં નથી. આ પ્રવૃત્તિ મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાં પ્રવર્તે છે. તેથી એમ લાગે છે કે માયાચાર પ્રાય: મનવચનકાયાની વિરુપતામાં અને આર્જવધર્મ તે ત્રણેની એકતામાં પ્રગટ થતો જોવામાં આવે છે. પરિણામે આજેવધર્મ અને માયાકષાયને મનવચનકાયાનાં માધ્યમ દ્વારા સમજવામાં અને સમજાવવામાં આવે છે.
વિશેષ વિચારતાં સમજાય છે કે મન,વચન, કાયાનાં માધ્યમ દ્વારા માયાચાર કે આર્જવધર્મ થતાં નથી, પણ પ્રગટ થાય છે. સમજવા-સમજાવવા માટે પ્રગટ થવું એ ઉપયોગી ક્રિયા છે. પ્રગટ વસ્તુ અપ્રગટ વસ્તુ કરતાં સમજવી અને સમજાવવી ઘણી સહેલી બને છે. એકેંદ્રિયાદિ અસંજ્ઞી જીવોનો માયાચાર અપ્રગટ રહે છે તેથી યુક્તિથી સમજાવવું શક્ય થતું નથી, એ જ રીતે સિદ્ધપ્રભુનો આર્જવધર્મ પણ યુક્તિથી સિધ્ધ કરવો શક્ય નથી. એની સમજણ શ્રી સર્વજ્ઞ પ્રભુના બોધના આધારે જ સિદ્ધ થાય છે. એથી સંક્ષેપમાં આપણે કહી શકીએ કે મનવચનકાયાનાં માધ્યમ દ્વારા આર્જવધર્મ અને માયાચારને સમજવા – સમજાવવાનું મૂળ કારણ એ છે કે સંજ્ઞીપંચેન્દ્રિય જીવોનો આ ભાવ-વિભાવ એ જ માધ્યમ દ્વારા પ્રગટ થાય છે.
૧૩૮