________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં જીવનું એકત્વ – એકત્વભાવના
આવા અનિત્ય, અશરણરૂપ અને અશુચિમય સંસારમાં જીવ એકલો જ ભમે છે. પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે. અને ભવાંતરે સંચિત કરેલાં કર્મોને એકલો જ અનુભવે છે. જીવે ચોરીથી ઉપાર્જન કરેલું ધન સર્વ કુટુંબીજનો ભોગવે છે, પરંતુ ચોરીના પાપરુપ કર્મનું ફળ તો તે એકલો જ ભોગવે છે. તેના ભોગવટા વખતે પુત્ર, મિત્ર, કલત્ર(પત્ની) કે અન્ય કોઈ પણ ભાગીદાર થવા આવતાં નથી. દુઃખરૂપી દાવાનળથી ભયંકર અને વિસ્તરિત આ ભવરૂપ અરણ્યમાં કર્મને વશ થયેલ પ્રાણી એકલો જ ભટક્યા કરે છે. તેને કોઈ પણ સહાયરૂપ થતું નથી. કદાચિત તેને શરીર સહાયરૂપ થતું લાગતું હોય તો તે પણ તેમ નથી જ. શરીર તો ઊલટું ક્ષણિક સુખદુ:ખના અનુભવને આપનારું છે. શરીર કંઈ પૂર્વભવથી સાથે આવેલું નથી, વળી ભાવિ ભવમાં સાથે આવવાનું પણ નથી, તો થોડા કાળ માટે મળેલી કાયા જીવને કેવી રીતે સહાયકારી થઈ શકે? શુભ કે અશુભ કર્મને યોગ્ય શુભાશુભ ફળ જીવ એકલો જ ભોગવે છે. તે પ્રમાણે અનુત્તર એવી મોક્ષલક્ષ્મીને પણ તે એકલો જ ગ્રહણ કરે છે. ત્યાં પૂર્વોક્ત સંબંધીઓ સાથે આવતાં નથી, સંસાર સંબંધી દુ:ખ અને મોક્ષ સંબંધી સુખ પ્રાણી એકલો જ ભોગવે છે; તેમાં કોઈ સહાયક થતું નથી. જેના હાથપગ છૂટા હોય તેવો માણસ સમુદ્રને તરી શકે છે, બહાર નીકળી શકે છે, પણ જેના હાથપગ ન છૂટા હોય તેવો માણસ સમુદ્ર તરી શકતો નથી, પણ ડૂબી જાય છે. એ જ પ્રમાણે ધન, સત્તા, કીર્તિ, દેહ આદિના મોહથી બંધાયેલો તથા જકડાયેલો જીવ ભવસમુદ્રનો પા૨ પામી શકતો નથી, પણ તેનાથી તે આસક્તિરહિત બની, એકલો સ્વસ્થપણે આરાધન કરે તો તે ભવસમુદ્રનો પાર પામી શકે છે.
સંસારમાં અન્યત્વપણું – અન્યત્વભાવના
આવી એકત્વવાળી સ્થિતિમાં જીવ જે સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સંસારમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર, દ્રવ્ય, પરિગ્રહ આદિ સર્વ પોતાથી જુદાં છે, અન્ય છે તે સમજવું ઘટે છે. જ્યાં પ્રાણીને પોતાનાં શરીરથી પણ જુદાંપણું છે ત્યાં તેને બંધુ
૧૧૬