________________
કેવળી પ્રભુનો સાથ
દાક્ષિણ્ય કે દોષોમાં દ્વેષ નથી. નાનાં કીટથી માંડીને ઇન્દ્ર સુધીનાં સર્વને સંહારવામાં યમરાજાનું શાસન સમર્થ રીતે પ્રવર્તે છે. કદી કોઈએ પણ પોતાના પૂર્વજને કાળથી બચેલો જોયો નથી. અન્ય સર્વ પદાર્થોની પણ એ જ અવસ્થા થાય છે. સુંદર ઇમારતો, બાગબગીચાઓ, પર્વતો, નદીઓ, સરોવરો, નાળાં, આદિ સર્વ નાશ પામે જ છે. બાળવય અને યૌવન પણ અનિત્ય છે, તે વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલાં છે. ધનવાન પુરુષોએ જે ધન ઘણા ફ્લેશથી ભેગું કર્યું હોય છે, જેનું રક્ષણ કરવા જે ખૂબ મહેનત કરતો હોય છે, તે ધન પણ ક્ષણવારમાં નાશ પામી જાય છે. સંસારમાં કુટુંબીઓ, મિત્રો, બંધુજનો વગેરે સાથે જે શુભ સંબંધ છે તે પણ છેવટે નાશ પામી જાય છે. જે સત્તા અને કીર્તિ મનુષ્યને ખૂબ પ્રિય છે તે પણ સાવ જ અનિત્ય છે. ક્યારે તે જીવને છેતરી રફુચક્કર થઈ જાય છે તેની જીવને ખબર પણ પડતી નથી. આમ આખું સચરાચર જગત અનિત્યપણે રહેલું છે.
સંસારમાં અશરણપણું – અશરણભાવના આવો અનિત્યતાથી ઘેરાયેલો અને વિપત્તિની ખાણરૂપ આ સંસાર છે. એ વિપત્તિની ખાણમાં પડતા જીવને – મનુષ્યને પિતા, માતા, સ્ત્રી, સંતાન, બંધુ, મિત્ર કે અન્ય કોઈ પણ શરણરૂપ થઈ શકતાં નથી. ઇન્દ્ર કે ચક્રવર્તી આદિ જેવા પણ મૃત્યુના સપાટામાં આવે છે ત્યારે તેનું રક્ષણ કરવા કોઈ પણ સંસારી જીવ સમર્થ થતો નથી. તેનાં કર્મો તેને યમરાજાના ઘરમાં દોરી જઈને જ જંપે છે. અન્ય મૂઢ જીવો પોતાને પણ કર્મો આ જ રીતે લઈ જશે એવો વિચાર ન કરતાં સ્વજનોને જતાં જોઈ રહે છે, દુ:ખ વેદે છે પણ તત્ત્વ ગ્રહણ કરતા નથી. મોટા ભયંકર જંગલમાં દાવાનળ સળગે ત્યારે ભયભીત બનેલાં મૃગનાં બચ્ચા અશરણ બની સળગી જાય છે, તેમને કોઈ બચાવી શકતું નથી, તે જ રીતે સંસારનાં વિવિધ દુ:ખરૂપી દાવાનળમાં પ્રાણી બળતો જ રહે છે, તેને કોઈ શરણરૂપ થતું નથી, દુ:ખથી બચાવી શકતું નથી. શરણ વિનાનું અને ઉપાય વિનાનું આ જગત યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય છે. આ ઉપરાંત અનેક પ્રકારનાં દુઃખો અને કષ્ટો જીવ પરવશપણે આ સંસારમાં ભોગવતો રહે છે.
૧૧૪