________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રભુનાં કલ્યાણભાવનો પ્રભાવ એવો હોય છે કે જે કોઈ જીવ ભાવપૂવર્ક તેમના સંપર્કમાં આવે છે, તે જીવ કોઈ ને કોઈ અપેક્ષાએ વિકાસ પામે છે. હવે જો અશુભ રોગાદિ રૂપે પરિણમનારા જીવો પ્રભુના સંપર્કમાં આવે તો તેમનો પણ વિકાસ થવો જોઈએ, એ અસંજ્ઞી જીવો પર શુભ અસર પડવી જોઈએ, પણ તેમનું પરિણમન તો વિકાસથી વિરુદ્ધ પ્રકારનું રહ્યું હોય છે, તેથી તેમનું પ્રભુથી દૂર જવું જરૂરી થાય છે. અને તેઓ પ્રભુથી દૂર ફેંકાય છે. આમ પ્રભુ બિરાજમાન હોય છે ત્યાંથી તેમનાથી વિરુધ્ધ વર્તનારા જીવો દૂર ચાલ્યા જાય છે અને મરકી આદિ મહારોગ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્મિક્ષ આદિ અનિષ્ટો પ્રવેશી શકતાં નથી. આ કાર્ય કરવામાં દેવોની શક્તિ પણ મદદરૂપ થતી હોય છે. તેથી આ અતિશય પણ મિશ્રા પ્રકારનો છે.
૧૬. પ્રભુની વિશિષ્ટ વાણી – ૐ ધ્વનિ સમવસરણમાં પ્રભુની દેશના છૂટે છે તે ૐ ધ્વનિરૂપ હોય છે. આ ૐ ધ્વનિ તે પ્રભુનો સ્વયં પ્રગટતો અતિશય છે. છદ્મસ્થપણામાં સહુથી લાંબા કાળના કલ્યાણભાવ શ્રી અરિહંત પ્રભુએ સેવ્યા હોય છે, તેથી તેમને સહુથી મોટી સંખ્યાના જીવો સાથે શુભ ઋણાનુબંધ બંધાયો હોય છે. આ સંબંધ પરમાર્થરૂપ હોવાથી, સમવસરણમાં આવેલા જીવો સાથે બંધાયેલો આ શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે છે, અને તેથી તે જીવોને પોતાના પ્રશ્નોનો ખુલાસો તથા જિજ્ઞાસાનું સમાધાન મેળવવા માટે પાત્રતા તથા યોગ પ્રવર્તે છે. ચારે ગતિના જે બધા જીવો સમવસરણમાં આવ્યા હોય છે તે સહુની પાત્રતા તથા ભાષા અલગ અલગ હોય તે સ્વાભાવિક છે, તેથી સહુને એકસાથે સમાધાન મળવું આપણી સામાન્ય બુદ્ધિથી તો અશક્ય જ જણાય. પરંતુ પ્રભુને પ્રગટેલાં અત્યુત્તમ કલ્યાણભાવના પ્રભાવથી સહુને સમાધાનકારક થાય એવી ૐ ધ્વનિરૂપ વાણી પ્રગટ થાય છે, જે દેશનારૂપે સંભળાય છે. આ ધ્વનિમાંથી પોતાને અનુકૂળ ભાવ ગ્રહણ કરી જીવ પોતાના વિકાસ માટેનો બોધ તથા માર્ગદર્શન મેળવી લે છે.