________________
પ્રાકથન
પ્રતિ કેવી રીતે આજ્ઞાધીન થતાં જવું તેની શીખામણ તેઓ મને વાસ્તવિક અનુભવ કરાવતાં કરાવતાં આપતાં ગયા. આમ મારી મારા જીવનને સુધારવાની, આત્માને કર્મમળથી હળવો કરવાની ભાવના ક્રમે ક્રમે સાકાર થતી ગઈ, જેથી આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ લક્ષ આવે એટલી માત્રામાં પ્રગટ થયાં. આત્મમાર્ગનાં રહસ્યો પણ મારામાં સહેલાઈથી ખૂલતાં ગયાં, અને મારું અંતર્મુખપણું પણ વધતું ગયું.
આવા સંજોગોમાં ઇ.સ.૧૯૬૮ના અંતભાગમાં મને અંતરંગથી જાણે કે કૃપાળુદેવ ચીંધતા હોય તે પ્રમાણે સતત ઊઠવા લાગ્યું કે ભાવિમાં મારે એક મોટો ગ્રંથ લખવાનો છે. એ ગ્રંથમાં પ્રભુએ આત્મમાર્ગનાં જે જે રહસ્યો બતાવ્યાં છે કે બતાવવાનાં છે તે મારે ખુલ્લાં કરવાનાં છે, કેમકે એ બધુ ઉપલબ્ધ શાસ્ત્રોમાં સ્પષ્ટરૂપે જણાવેલ નથી. અને આ રહસ્યોની જાણકારી ઇચ્છુક જીવોને ખૂબ ઉપકારી થાય તેમ છે. થોડા મહિના પસાર થયા પછી મને આવ્યું કે, “તારે ‘શ્રી કેવળી પ્રભુનો સાથ” એ નામથી ગ્રંથ રચવાનો છે. અને તેમાં પ્રભુનો બોધેલો કલ્યાણમાર્ગ તારે વર્ણવવાનો છે. તે જ્યારે જીવનસિદ્ધિ લખી ત્યારે તને પ્રભુનો અદ્ભુત સાથ મળ્યો હતો, તેવો જ અદ્ભુત સાથ તને આ ગ્રંથ લખવા માટે પણ મળશે. માટે તારી પાત્રતા વધાર. અને જેમ જેમ માર્ગનાં રહસ્યોની તારી જાણકારી વધતી જાય તેમ તેમ તેની નોંધ તારે કરતા જવી, કે જેથી ગ્રંથરચના કરતી વખતે એ ટાંચણ તને ઉપયોગી થાય.” આ આજ્ઞાનુસાર મેં કાચી નોંધ રાખવાનું શરૂ કર્યું. તેના અનુસરણમાં મેં નિર્ણય કર્યો કે પ્રભુની આજ્ઞા આવે અને પ્રભુ લખાવે ત્યારે જ ગ્રંથનું લખાણ કરવું, તે પહેલાં સ્વચ્છેદથી કંઈ કરવું નહિ. માત્ર જીવન સુધારવું, આત્મલક્ષે જીવવું, શ્રી રાજપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું વધારવું અને તેમનાં માર્ગદર્શન અનુસાર મારે મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ તથા ખીલવણી કરતાં જવાં. આત્માને આ કાળે વધુમાં વધુ જે દશાએ પહોંચાડી શકાય તે દશાએ પહોંચાડવાનો પુરુષાર્થ જારી રાખવો. આમ સંસારમાં રહેવા છતાં આત્માને સંભાળવાનું કાર્ય અંતરંગથી સતત થયા કરતું હતું.
એ અરસામાં કેટલાંક મુમુક્ષુઓના આગ્રહને કારણે ઇ.સ.૧૯૭૭ના મે માસથી, કૃપાળુદેવની આજ્ઞા સ્વીકારી દર ગુરુવારે મેં કૃપાળુદેવે લખેલા સૌભાગભાઈ પરના
xxi