________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
દેવાધિદેવ! અમારા પર ત્રીજી કૃપા એ કરો કે શરીર આદિની સાચવણીને લગતી કે જીવનનિર્વાહને લગતી જે કોઈ પ્રવૃત્તિ અમારે કરવી પડે, તે પ્રવૃત્તિ કરતાં અમારામાં રાગભાવ કે લિપ્તપણું ઉત્પન્ન ન થાય, એ કાર્યો કરતી વખતે પણ અમારો જીવ આત્માના અદ્ભુત ગુણોની વિચારણા તથા તે ગુણો પ્રાપ્ત કરવાની ભાવના કરવામાં ગૂંથાયેલો રહી, એ કાળ નિર્ગમન કરે. આપની આ કૃપાથી પૂર્વકર્મના ઉદયાનુસાર થતી અમારી કોઈ પણ પ્રવૃત્તિમાં અમને અલિપ્તપણું વેદાતું રહે, પરિણામ સ્વસ્થ તથા ઉર્ધ્વગામી બને, અને અમારો આત્મા નવીન કર્મબંધ કરતાં અટકતો રહે. તે ઉપરાંત પુરાણા સંગ્રહિત કરેલાં કર્મો અમારો જીવ ઝડપથી અને સહેલાઈથી ખેરવી શકે એ માટે આ વિનંતિ કરીએ છીએ. કૃપા કરી એવી સ્થિતિ આપો કે જેથી અમારાથી જે કોઈ પ્રવૃત્તિ થાય તે પૂર્વે બાંધેલા કર્મ અનુસાર, તેનાથી છૂટવા માટે જ અને તે પણ આપની આજ્ઞાનુસાર જ થાય, નવીન બંધથી રક્ષણ પામવા માટે આ સર્વ સુવ્રતને અમે આપની કૃપાથી જાણી શકયા છીએ. આમાં અમારી કંઈ પણ ચૂક થઈ હોય તો સુધારવા કૃપા કરજો. અને તે સુવ્રતોનું યથાર્થ આરાધન કરી, અમે અમારી યોગ્યતા વધારી આપને અને સહુને સંતોષનું નિમિત્ત થઈએ એ જ અમારી પ્રાર્થના છે; પરમ કૃપાળુ ભગવંત! તે સફળ કરો, સફળ કરો.
હે ગુણાનુરાગી પ્રભુ! વર્તમાન અવસ્થામાં રહેતાં અમને સમજાય છે કે, માત્ર આપનો ઉપકાર ગ્રહણ કરી, સ્વકલ્યાણ કરતા જવાથી અમારી પૂર્ણ સાર્થકતા થતી નથી. જે ૠણ નિષ્કારણ કરુણા કરી આપે અમારા પર ચડાવ્યું છે, એવી જ નિષ્કારણ કરુણાથી અન્ય જીવોને કલ્યાણમાર્ગમાં સહાય આપી અમારે એ ઋણની ચૂકવણી કરવાની છે તે જણાયું છે, અર્થાત્ માત્ર ઉત્તમ ગ્રહણ કરવાની સ્વાર્થી વૃત્તિમાંથી બહાર નીકળી ઉત્તમનું દાન કરતાં અમારે શીખવું જોઈએ એ ખ્યાલ આવ્યો છે. એમાં જ અમારા જીવનની ધન્યતા અમને દેખાય છે. આવું પવિત્ર કાર્ય કરવા માટે ષટ્કર્શનની જાણકારી હોવી અગત્યની છે, કેમકે દરેક જીવને પોતપોતાની દશા તથા કર્માનુસાર જુદા જુદા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે, દરેકને જુદા જુદા પ્રકારના વિઘ્નો નડે છે અને તેનાં જુદાં જુદાં પરિણામ વર્તે છે. તે સર્વ માટેની જાણકારી જો માર્ગદર્શકને ન હોય
૬૯