________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
મુંબઈમાં એક વખત શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મ અંગે ચર્ચા ચાલી. ચામડું વાપરવું કે નહિ તેનો વિચાર-વિમર્શ ચાલતો હતો. બન્ને એવા મત પર આવ્યા કે બને ત્યાં સુધી ચામડાનો ઉપયોગ ટાળવો અને માથે તો ન જ પહેરાય.
શ્રીમદ્જીએ ટોપીમાંથી ચામડું દૂર કર્યું અને તેનો ઉપયોગ બંધ કર્યો. ત્યારપછી ગાંધીજીએ ચામડાના બેરિંગવાળા ચરખાના મૉડેલનો અસ્વીકાર કર્યો. વિદ્વાન શ્રાવક વીરચંદ રાઘવજી ગાંધીએ ઈંગ્લેન્ડમાં જૈન લિટરેચર સોસાયટી સ્થાપી લોકોને માંસાહાર છોડાવી શાકાહાર તરફ વાળતા હતા. ત્યાંથી તેમને મહાત્મા ગાંધીજીનો પરિચય થયો. બન્નેએ સાથે નિરામિષ આહારના પ્રયોગો કર્યા હતા. શાકાહારના પ્રેરક બન્યા.
ગાંધી આશ્રમોમાં સત્ય અને અહિંસા પાયાના આદર્શો છે. ફિનિક્સ, ટૉલ્સટૉય ફાર્મ અને સાબરમતી આશ્રમ આ ત્રણે જગાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડ્યો છતાં સર્પાદિક હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન કરાવવામાં ગાંધીજી સફળ થયા હતા.
પરંપરામાં તો હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં, અસત્યાચરણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. અધર્મ કરવો નહીં, કરાવવો નહીં, અનુમોદવો નહીં એમ ત્રણ પરિમાણ ચાલતા હતા. ગાંધીજીએ ચોથું પરિણામ ઉમેર્યું. હિંસા, અસત્ય, અધર્મનો ઈન્કાર અને પ્રતિકાર કરી પ્રેમ, સત્ય અને આત્મધર્મથી હિંસા, અસત્ય અને અધર્મનું નિવારણ કરવું. આ આત્મબળથી, દયાબળથી, પ્રેમબળથી થતાં પ્રતિકારનું નામ એમણે સત્યાગ્રહ આપ્યું. હિંસકભાવ અને હિંસકશાસ્ત્રના ત્યાગથી જ ભગવાન મહાવીરનું આચારાંગ સૂત્ર શરૂ થાય છે. આત્મતત્ત્વ સમજાવી હિંસકબળના
(૧૨૭)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ત્યાગની તે વાત કરે છે. ગાંધીજી એ જ વાત સમજાવતા લખે છે, “જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે કે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય તે આત્મબળનો વિરોધી છે. જ્યારે સત્યાગ્રહ હથિયાર બળવિરોધી છે. સત્યાગ્રહ એ આત્મબળ છે, દયાબળ છે, પ્રેમનું બળ છે. પેલામાં વેરભાવને અવકાશ છે. જ્યારે સત્યાગ્રહમાં પ્રેમભાવને અવકાશ છે. એમાં વેરભાવ અધર્મ ગણાય છે. સત્યાગ્રહમાં વિરોધીને દુઃખ દેવાની કલ્પના જ ન હોય. જાતે દુઃખ સહન કરી વિનયથી વિરોધીને વશ કરવાનું સત્યાગ્રહ શીખવે છે. શસ્ત્રબળ અને સશસ્રબળ ગુપ્તતાથી ચાલે છે. સત્યને કાંઈ સંતાડવાનું નથી એટલે સત્યાગ્રહીની છુપી સેના ન જ હોય. રાગવીર બીજાના મોત પોતાના હાથમાં રાખે છે, સત્યાગ્રહી મોતને લઈને ફરે છે. મરદાનગી અભય અને હિંમતથી જુલમનો સામનો કરે છે.”
સ્વચ્છતા અને ઝચણા
ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ સ્વચ્છતાને આરોગ્ય અને અહિંસાની સમાંતર દૃષ્ટિથી જોતા. આજ રીતે જૈનોના ઝયણા ધર્મમાં સ્વચ્છતાને અગ્ર સ્થાન અપાયું છે. સ્વચ્છતા - જતના, હિંસા નિવારણ અને અહિંસાની પ્રતિષ્ઠામાં સહાયક છે.
(૧૨૮)