________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ગાંધી-વિનોબાનું અહિંસક સમાજરચના માટેનું ચિંતન
- પ્રદીપ શાહ
(જૈનધર્મના અભ્યાસુ પ્રદીપભાઈ શાહ સર્વોદય કાર્યકર છે. ગાંધીવિનોબા વિચારધારાના અભ્યાસમાં રસ ધરાવે છે.)
વિનોબા કહે છે,
“પરસ્પર વિરુદ્ધ અંશોનો એક સ્થળે સમન્વય કરવા માટે જે સમર્થ હશે તે વિશેષ ઉપાય છે વિતર્ક. જૈન ધર્મમાં આ અવિરોધક સાધક ‘વિતર્ક’ ઘણો વધારે નીખરેલો જોવા મળે છે.
જૈનોના ‘સપ્તભંગી-નય’ ‘સ્યાદ્વાદ’ માં વિરોધનો લેશાંશ પણ નથી. ‘એ રીતે તે ઠીક છે અને આ રીતે આ ઠીક છે' એવી વિશાળ અવિરોધી સમન્વય દૃષ્ટિ જૈનોની દેણ છે.
જૈનોના સપ્તભંગી - નય વિગેરે સ્વીકારીને આપણે બુદ્ધ, ખ્રિસ્તી, ઈસ્લામ અને હિંદુ ધર્મોમાં અવિરોધી સમન્વય સાધવો છે.’
વિનોબા કહે છે,
હું એ કબુલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે ‘સત્યાગ્રહી બનો.'
‘ગીતા પછીથી’ એમ કહું છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશોય ફરક દેખાતો નથી.
તમારો પ્રેમ અને ચરિત્ર મને મોહમાં ડુબાડી દે છે... તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાં ખુશીના આંસુ આણે છે. હું એને લાયક હોઉં કે ન હોઉં, (૧૨૯)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
પણ તમને તે ફળશે જ. તમે મોટી સેવાનું નિમિત્ત બનશો... તમને ઈશ્વર દીર્ઘાયુષી બનાવો અને તમારો ઉપયોગ હિંદની ઉન્નતિને સારું થાઓ. (ગાંધીજીના વિનોબા ભાવે પરના પત્રમાંથી)
વિનોબાએ ૧૯૦૫ માં માત્ર દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય અનેરાષ્ટ્રસેવાનું વ્રત લીધું હતું. ૧૯૧૩ માં મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા અને ૧૯૧૬ માં કૉલેજ શિક્ષણ છોડીને વિનોબાએ ૨૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો.
જે માણસ કેવળ દસ વર્ષની વયે જીવનની દિશા નક્કી કરી શકે અને આજીવન પાછું વળીને જુએ નહીં એ માણસ કેટલો પ્રતિભાવાન હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી.
વિનોબાજી કહે છે કે તેમની અંદર એક બાજુ તીવ્ર બ્રહ્મજિજ્ઞાસા હતી તો બીજી બાજુ દેશને આઝાદ કરાવવા ક્રાંતિ કરવાની તાલાવેલી હતી.
તેમની અંદર એક તીવ્ર મનોમંથન ચાલતું હોવું જોઈએ કે વેદાંત અને લોકસંગ્રહ (સમાજકલ્યાણ) નો સમન્વય કઈ રીતે થઈ શકે ? અને જો ન થઈ શકે તો કયા માર્ગે જવું ?
બનારસમાં તેમનો ગાંધીજી સાથે અપ્રત્યક્ષ ભેટો થાય છે. વિનોબા બનારસ પહોંચ્યા એના બે મહિના પહેલા છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૧૬ ના રોજ ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં કરેલું ભાષણ બોમ્બવિસ્ફોટ જેવું હતું. તેમણે વાઈસરોયને કહ્યું હતું કે આટલી સુરક્ષા વચ્ચે જીવવા કરતા મરવું સારું અને જો મરવાનો ડર લાગતો હોય તો તેમણે ઈંગ્લેન્ડ પાછા જતા રહેવું જોઈએ. તેમણે ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો આપણા કારણે વાઈસરોયને ડરીને રહેવું પડતું હોય તો એ આપણા માટે શરમની વાત છે. તેમણે સભામાં અને મંચ પર ઉપસ્થિત રાજા-મહારાજાઓને પૂછ્યું
(૧૩૦)