________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું. તેથી તેમની ઉપર પ્રેમ કરી શકું છું.” અન્ય ધર્મના અનુયાયીઓ પોતાને ચુસ્ત હિંદુ ગણાવનાર ગાંધીને પોતાના ધર્મના શા માટે માનતા હતા તેનું રહસ્ય તેમને અપનાવેલી અનેકાન્ત દૃષ્ટિને આભારી છે. ગાંધીજીની અનેકાન્ત દૃષ્ટિને વાત કરતાં પંડિત સુખલાલજીએ જણાવ્યું છે :
“હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાન્તના બે તત્ત્વો કઈ રીતે કામ કરી રહ્યા છે. જ્યારે એ જોઉં છું અને વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વો બાબતમાં ગાંધીજીના જીવન પર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે : પછી તે ગમે તે રૂપમાં હોય.'
ગાંધીજીનું જીવનદર્શન એ જ એમનું ધર્મદર્શન. એમનું જીવન ગહન અને અનેક પ્રવૃત્તિઓથી સભર હતું. એમના જીવનની બદી જ પ્રવૃત્તિઓ અનેકાન્ત અને અહિંસાની દૃષ્ટિએ જ પાંગરેલી છે. એમના જીવનની તમામ પ્રવૃત્તિઓ ધર્મસાધનાના ભાગરૂપે જ અનેકાન્ત અને અહિંસાની દૃષ્ટિને વણી લઈને વિકસેલી છે, વિસ્તરેલી છે. ગાંધીજીના આ વ્યાપક ધર્મભાવનાની વાત કરતાં પંડિત સુખલાલજી લખે છે : “ગાંધીજીના જીવનમાં ઊગેલો, વિકસેલો અને વ્યાપેલો ધર્મ એ કોઈ આ કે તે સંપ્રદાયનો ધર્મ નથી પણ તે બધા સંપ્રદાયથી પર અને છતાં બધા તાત્ત્વિક ધર્મોના સારરૂપ છે કે જેમના પોતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે.”
ગાંધીજીના અનેક કાર્યો અનેકાન્ત અને અહિંસા દૃષ્ટિને પોષક છે, પરંતુ તેમાં વિશેષ કરીને સર્વધર્મસમભાવ, સર્વધર્મસમાદર, ધર્મસમન્વય અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા અનેકાન્ત દૃષ્ટિને ગૂંથી લીધી છે. આજે આપણે ગાંધીજીની અનેકાન્ત દૃષ્ટિવાળી વ્યાપક ધર્મભાવના તરીકે ઓળખાવી શકીએ. ૨. ગાંધીજી : ધર્મમંથન, પૃ. ૧૬ ૩. પંડિત સુખલાલજી : દર્શન અને ચિંતન ભાગ-૧, પૃ. ૫૭૨
().
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સર્વધર્મસમભાવઃ સર્વધર્મસમભાવને ગાંધીજીની દૃષ્ટિએ જોઈએ તો સ્વધર્મનિષ્ઠા, સર્વધર્મસમાદર અને અધર્મનો વિરોધ પ્રતિપાદિત થાય છે. સર્વધર્સમભાવ ત્યારે જ સંભવી શકે કે પોતાના ધર્મમાં પોતાની સંપૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ. શ્રીમદ્જીના નિકટ સંપર્કથી અને તેમની સાથે થયેલા પત્રવ્યવહારથી ગાંધીજી સ્વધર્મનિષ્ઠામાં સ્થાયી થયા હતા, અને તેમને ખાતરી થઈ હતી કે પોતાના હિંદુ ધર્મમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તેમજ દરેક ધર્મને આદર-સત્કારથી જોવો જોઈએ.
સ્વધર્મ ગમે તેટલો ખામીવાળો હોય તો પણ તે છૂટી શકતો નથી. દા.ત. આપણી માતા ગમે તેટલી ખામીવાળી હોય તો પણ તે માતા મટી જતી નથી. આ અંગે ગાંધીજીએ જણાવ્યું છે : બાળક જેમ માને વળગી રહે છે તેમ હું મારા ધર્મને વળગી રહું છું, પણ બાળક અપરમાતાનો તિરસ્કાર નથી કરતો, તેમ હું પણ પરધર્મનો તિરસ્કાર નથી કરતો. મારા ધર્મ પ્રત્યેનો મારો પ્રેમ બીજાઓના પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમને સમજતા શીખવે છે.
સર્વધર્મસમભાવના મંત્રદાતા ગાંધીજીનું સ્વપ્ન અખંડ ભારતનું હતું. ગાંધીજી સર્વધર્મસમભાવ દ્વારા હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ વગેરે કોમો વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માંગતા હતા, જેને આજે આપણે બિનસાંપ્રદાયિકતા કહીએ છીએ. કોમી હુલ્લડો વખતે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ અને તેના કાર્યકરોએ જાનને જોખમે પોતાના અન્ય ધર્મી ભાઈ-બહેનોને રક્ષણ આપ્યું છે એ ગાંધીજીના સર્વધર્મસમભાવનું ઘોતક છે.
સર્વધર્મસમાદર સ્વધર્મનિષ્ઠામાંથી નિપજતું સર્વધર્મસમભાવનું મહત્ત્વનું તત્ત્વ તે સર્વધર્મ પ્રત્યે આદર અને સન્માન. પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મો પ્રત્યે ગાંધીજી માત્ર સહિષ્ણુતા ધરાવતા ન હતા, પરંતુ સમભાવ અને આદર ધરાવતા.
(૬૮)