________________
ખાટલે મોટી ખોડ કે પાયો જ ન મળે. તેમ આ મતાર્થી જીવની પહેલામાં પહેલી ખામી, ઉણપ, અધુરપ તે એ જ કે એને આત્માનો લક્ષ જ નથી. અને જે કંઈ લક્ષ થાય તે સંસાર ગત જ હોય. એને આત્માનો લક્ષ ન થાય. મારે આત્મા પ્રાપ્ત કરવો છે, પણ જો હું કર્મથી છૂટું તો જ આત્મા પ્રાપ્ત થાય. નહિંતર ન થાય. કર્મબંધ તૂટે તો જ જીવને પોતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. કર્મબંધ તોડવા માટે રાગદ્વેષથી મુક્ત થવાનું છે. તો જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે.’ રાગ દ્વેષ ગયે ગમે તે સ્થિતિમાં અને ગમે ત્યાં બેઠા મોક્ષ થાય. આત્મા પ્રગટે. જે દર્શનથી, જે અનુપ્રેક્ષાથી આત્મત્વ પમાતું હોય, જે ક્રિયાથી, જે સાધનથી આત્મા પમાતો હોય તો ત્યાં મતમતાંતરની કોઈ અપેક્ષા ન કરવી. આવાં અદ્ભુત ગુણો મુમુક્ષુનાં કહ્યાં છે. અને મતાર્થીમાં આ એકેય ગુણ ન હોય. એમને આત્મા મળે કે ન મળે, સમારંભ સરખો થવો જોઈએ. સંપ્રદાયનું મહત્ત્વ જળવાવું જોઈએ. એને લૌકિક માનનો લક્ષ છે. આત્માનો લક્ષ જ નથી. એટલે ભગવાન કહે છે “મતાગ્રહને વિશે તો ઉદાસ થવું જોઈએ. પરંપરાએ પણ જો મતાગ્રહ આવશે તો જીવ ત્યાં માર્યો જાય છે. કુળ પરંપરામાં જીવ માર્યો જાય છે. ભગવાને ઉપદેશછાયા-૧૧માં કહ્યું છે, 'માટે મતોના કદાગ્રહોની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું. દૂર રહેવું.” જીવનો સ્વભાવ એવો છે કે સ્થિર રહી શકતો નથી. તરત મતવાદમાં ઘસડાઈ જાય. ખેંચાઈ જાય.
કૃપાળુદેવ આપણને મુમુક્ષુઓને ઓળખે છે. એટલે પત્રાંક ૩૮૨માં એમણે કહ્યું, જો જીવથી સત્સંગ થયા પછી પણ કદાગ્રહ, મતમતાંતર આદિ દોષ ન મુકી શકાતા હોય તો પછી એણે છૂટવાની આશા કરવી નહીં.’ સત્સંગ થયા પછી પણ આગ્રહ ન મુકાય ? વાત બધી કૃપાળુદેવ કહે છે એ જ સાચી છે પણ મારો સંપ્રદાય, મારો મત છોડાય નહીં. ત્યાં જ મારા બાપદાદા જતા હતા. હું ત્યાં ટ્રસ્ટી છું. હું કારોબારીમાં છું. એમ લૌકિક વ્યવહારને જાળવવામાં જ હોય. સત્સંગ થયા પછી પણ આ કદાગ્રહ અને મતમતાંતર આદિ દોષ જીવમાંથી નિવૃત્ત ન થતો હોય તો એણે છૂટવાની આશા કરવી નહીં. ભગવાને બીજું કાંઈ ન કહ્યું. જેમ મોહનીય કર્મ બાંધીને કુગુરુના પદમાં કહ્યું કે, બૂડે ભવજળ માંહી’ તો અહીં કૃપાળુદેવ કહે છે કે, 'દીનબંધુની વ્યવસ્થા જ એવી છે કે છૂટવાના કામીને બાંધી શકતો નથી. અને બંધાવાના કામીને છોડતો નથી. એની વ્યવસ્થા જ એવી છે. સત્સંગ થયા પછી પણ જીવથી જો કદાગ્રહ, મતમતાંતર આદિ દોષ ન મુકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.’ તો ભાઈ ! સમજ. આ બધા મત બંધનનું કારણ છે. ‘જીવ મતભેદે પ્રહાયો છે. આ મતભેદ જ એને આવરણ છે.’ હવે આ પ્રભુએ તો એને ઊંચી પાયરીએ ચડાવવો છે એટલે શિષ્યને મતમતાંતરમાંથી છોડાવવો છે. અત્યાર સુધી જે કરતો હતો. કોઈ ક્રિયાજડ, કોઈ શુષ્કજ્ઞાની અને એમાં જ મોક્ષમાર્ગ માનતા હતા એમાંથી એને હટાવ્યા અને કહ્યું કે, “આવો ! સત્પુરુષ પાસેથી માર્ગ લો. પ્રાપ્ત થયેલા પુરુષ પાસેથી માર્ગ લો. એના આ લક્ષણ છે. એની પાસેથી આત્મા શું છે - એ સમજો. એ ગુરુનો વિનય કરજો. આત્મા પામી જાવ તોયે વિનય કરજો. અને એવા વિનયનો ક્યાંય ગેરલાભ લેતા નહીં, તમે ન લેતા અને અસદ્ગુરુને લેવા દેતા નહીં. આ ગહન વાત છે. પણ જે મુમુક્ષુ હશે તેને સમજાઈ જશે. પત્ર મતાર્થી હશે તો નહીં
સંતશ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 1