________________
“જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન;
અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” આ જિન પ્રવચનનો તાગ મેળવવા, પાર પામવા અતિ મહિમાન પણ થાકી જવાનો છે. અને કાં તો જે મતિમાન છે તે અતિ થાકી જવાનો છે. થાકે અતિ મતિમાન. જે પોતાને મતિમાન એટલે કે બુદ્ધિમાન સમજે છે તે અતિ થાકી જશે. અથવા તો બહુ બુદ્ધિમાન છે – અતિ મતિમાન તે પણ થાકી જાશે. એ પાર પામી શકશે નહીં. માટે સદૂગરનું આલંબન લેવું. સદૂગરના આલંબનથી જે આ તારો સ્વચ્છંદ છે તે ટળશે. સ્વચ્છંદ એટલે આ પ્રકારની પોતાના આગ્રહની દૃઢ માન્યતા. કે હું કહું છું તે જ સાચું. હું સમજું છું તે જ સાચું. એ માન્યતાને નિરસ કરવી જોઈએ. તો જીવ અવશ્ય મોક્ષને પામશે. આ સિવાયનો બીજો જે કાંઈ ઉપાય કરવામાં આવશે કે – થોડું વધુ ભણી લઉં – બીજા શાસ્ત્રો વાંચી લઉં – આ અભ્યાસક્રમ કરી લઉં – આ તાલિમ લઈ આવું – આનાથી તો સ્વચ્છંદ બમણો થાશે. વાંદરાને દારૂ પીવડાવીએ એવું થાશે. એક તો વાંદરો હતો. એમાં એણે દારૂ પીધો. એમાં એને વીંછી કરડ્યો અને એમાં પાછો ભૂતનો સંચાર થયો. શું થાય ? એમ આ જીવ સ્વચ્છંદમાં તો હતો. એમાં સદ્દગુરુનાં શરણ વિના પોતાના ડહાપણે બીજા ઉપાય કરવા ગયો તો શું થયું ? એનો સ્વછંદ અનંતગણો વધી ગયો. જ્ઞાનીએ કહ્યું, હવે આ પાર પામી શકશે નહીં. આ તો અભવી થઈ ગયો. માટે સ્વચ્છંદ ને ટાળો.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે.
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 74 GF