________________
દાન વગેરેનો નિષેધ કરે છે અને પોતે લોભમાં ને મોહકષાયમાં વર્તે છે. એને કોઈ જીવની અનુકંપા થતી નથી. તો આ ધાર્મિકતા કે આધ્યાત્મિકતાનું લક્ષણ ખરું ? કરુણા-હીન વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ કહી શકાય ? શક્ય નથી. એટલે અહીં સમજાવ્યું કે જગતમાં મોક્ષમાર્ગની આરાધના કરનારા જીવોના બે વર્ગ છે. એક ક્રિયાજડ અને બીજો શુષ્કજ્ઞાની. ક્રિયાજડ એ માત્ર ક્રિયા કરે. અંતર ભેદાય નહિ અને કોઈપણ જાતની જ્ઞાનની કોઈ વિચારણા કરે નહીં. તત્ત્વનો વિચાર ન કરે. શેના માટે કરીએ છીએ એનો પણ વિચાર ન કરે, અને યંત્રવત ક્રિયા કરે. બીજો શુષ્કજ્ઞાની, કે જે કહે કે કોઈ ક્રિયા કરવી જ નહીં. ક્રિયાથી આપણું કંઈ થવાનું જ નથી. અને ક્રિયાને અને આ જીવને કંઈ લેવાદેવા નથી. જીવ બંધાતો નથી.
જીવનો મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે, થતો નથી. એ લોકો મોહાવેશમાં વર્તતા હોય છે. આ બંનેનું વર્તન સમજાવીને કૃપાળુદેવ હવે મોક્ષમાર્ગની અંદર એક અદ્ભુત માર્ગ પ્રકાશે છે.
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન
તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. (૬) વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય, ત્યાં પણ જો આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે.’
જગતના જીવોએ અધિકાર માંગ્યો. આ વૈરાગ્યની ઉપાસના કરવી જોઈએ. જ્યાં સુધી વૈરાગ્ય અને ઉપશમ જીવમાં આવતાં નથી. ત્યાં સુધી સિદ્ધાંત બોધ સમજી શકાતો નથી. તત્ત્વ જીવનમાં પરિણમન પામતું નથી. ભૂમિ શુદ્ધ ન હોય તો વરસાદ ગમે તેટલો પડે બીજ ઊગી શકે નહીં. ક્ષેત્ર વિશુદ્ધિ વિના પાક ન થાય. વાસણ સ્વચ્છ ન હોય તો એમાં કોઈ વસ્તુ રહી શકે નહીં. આવી પાત્રતા જ્યાં સુધી જીવ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને તત્ત્વજ્ઞાનનો બોધ થતો નથી. એનું ચિત્ત નિર્મળ થવું જોઈએ. એની બુદ્ધિ નિર્મળ થવી જોઈએ. વિકારી દૃષ્ટિ હોય, વિકારી મન હોય, વિકારી ચિત્ત હોય, તો તત્ત્વનું પરિણમન કેવી રીતે થાય ? કયા આધારે થાય ? નિર્વિકાર થયા વિના, મન નિર્મલ કર્યા વિના આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? ભૂમિકા માટે - પાત્રતા થવા માટે ભગવાન કહે છે, વૈરાગ્ય આદિ સાધન છે. તે વૈરાગ્ય આદિ સફળ ત્યારે જ થાય જો આત્મજ્ઞાન થાય તો. આત્મજ્ઞાન ન થયું અને ત્યાગ-વૈરાગ્ય કર્યો - હઠયોગીઓની જેમ. તેઓ કેટલો ત્યાગ-વૈરાગ્ય કરે ? ચાલીસ દિવસ ખાડો ખોદીને અંદર પુરાઈ રહે. એક પગે ચાર-ચાર મહિના ઊભા રહે. હિમાલય જેવી ઠંડી હોય તો ત્યાં પણ ઉઘાડે શરીરે એક પગે ઊભો હોય. આ હઠયોગી - જેના માટે કૃપાળુદેવે કહ્યું,
દઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો,
જય ભેદ જપે, તપ ત્યોંહિ તપે.” - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 48