________________
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો એક પળ તમને હવો !!!”
હે જીવ ! લક્ષ્મી, કુટુંબ, પરિવાર, સંગ્રહ, પરિગ્રહ, પદ, પદવી, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ, આ બધું જ જેમાં તને લાગે છે કે હું સુખી-સુખી થઈ ગયો, કહે તો ખરો કે આમાં શું સુખ મળ્યું ? “વધવાપણું સંસારનું.” આ તો તેં તારો સંસાર વધારી મૂક્યો. આ તો પદાર્થનું સુખ છે. પદાર્થની અપેક્ષાએ છે. તારું નથી. ભૂલી ગયો તું ચૂકી ગયો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.” આ બધાની પાછળ તો દુઃખ જ આવે. આ સાચા સુખનું સ્વરૂપ નથી. જીવ સુખનું સ્વરૂપ ભુલી ગયો છે. એટલે એ આ સુખનું ઉદ્ભવ સ્થાન, મૂળ સ્ત્રોત ભુલી ગયો છે કે આ સુખ ક્યાંથી મળશે ? એટલે શિષ્ય અહીં કહ્યું કે પ્રભુ ! આ શુભ કર્મ કરશે તો સ્વર્ગનું સુખ મળશે અને અશુભ કર્મ કરશે તો નરકનું દુઃખ મળશે. આ જીવ કર્મરહિત ક્યાંય નથી. અમારે તો મોક્ષ જોઈએ છે. મોક્ષનું સુખ જોઈએ છે, જે સંપૂર્ણ છે, પરીપૂર્ણ છે, સ્વયંપૂર્ણ છે, સ્વાધીન છે. શાશ્વતું છે, અવ્યાબાધ છે, અનંત છે, અક્ષય છે, અખંડ છે. અમારા સુખની ધારા ક્યારેય ખંડિત થાય નહીં. એવું અમારા અસ્તિત્વ સાથે જોડાયેલું સુખ, એવા સ્વાભાવિક અને સાહજીક સુખના પ્રવાહ સાથે અમારું જોડાણ થવું જોઈએ. આ ભાવ અમે પરની સાથે કરીએ છીએ અને પરનું સુખ લેવા જાઈએ છીએ ત્યાં ખત્તા ખાઈએ છીએ. જો એક વાર અમારો ભાવ અમારી સાથે જોડાઈ જાય, એટલે હવે સદ્ગુરુ એને માર્ગદર્શન કરે છે. કારણ કે પોતાની ઇચ્છાએ, જાણતાં કે અજાણતાં, આ જીવે કોઈ દોષ તીવ્રપણે કે શીથીલપણે કર્યો હોય તો તેનું ફળ તો ભોગવવા યોગ્ય થાય, થાય ને થાય જ.
અનાદિકાળથી આ લોકમાં થતું જીવનું પરિભ્રમણ ગતિ યુક્ત હોય છે અને જીવનાં શુભાશુભ કર્મ અનુસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, એનાં ફળો એ ભોગવ્યા જ કરે છે. કર્મરહિત સ્થિતિ પરિભ્રમણમાં ક્યાંય નથી. જ્યાં સુધી જીવનું સંસારમાં – સંસરવું થાય છે ત્યાં સુધી એને કર્મ રહિત પણે ક્યાંય છે નહીં. એટલે જ્ઞાની ભગવંતો કહે છે કે ભ્રાંતિના કારણે સ્કુરાયમાન થયેલ જીવ વીર્ય, અનંત શક્તિરૂપ એવું જીવ વીર્ય, જડ એવી કાર્મણ વર્ગણાઓને ગ્રહણ કરે છે અને તે વર્ગણાઓ કર્મરૂપે પરિણમીને અને પોતાના અચિત્ય સામર્થ્યને કારણે અને ગુણોના આધાર ઉપર એનામાં જે પરિણમન શક્તિ છે, એ જગતની અંદર પૌદગલિક પદાર્થની રચના કરે છે. જે રચના શાશ્વત નથી. જગતનું કોઈ સ્વરૂપ શાશ્વત નથી. વાડી, વજીફા, લાડી, ગાડી, કુટુંબ, પરિવાર, સંગ્રહ, પરિગ્રહનું કોઈ સ્વરૂપ, T.V., S.T.D, લાખોની સંખ્યામાં ગણ્યા કરો, એકે વસ્તુ શાશ્વત નથી, બદલાતું છે. કારણ કે એની રચનામાં-મૂળમાં રહેલાં પરમાણુ પરિવર્તનશીલ છે. ગુણના આધાર ઉપર પરિવર્તન થયાં કરે છે. મેવા-મીઠાઈ બધું કાળ સ્થિતિને આધીન છે. કોઈ મીઠાઈ હંમેશને માટે એવીને એવી રહે ખરી ? બધા પદાર્થની સ્થિતિ નક્કી છે. તારી સાથે જે બંધ પડ્યો છે ને એ બંધમાં પદાર્થની સ્થિતિ નક્કી થઈ છે. એમાં પણ ઘટતી જાતી સ્થિતિ છે. ત્યાં સુધી જ એ રહે. કાળ પૂરો થયે બધું ચાલ્યું જાય છે. દેહ ચાલ્યો જાય છે તો દેહ સંબંધીત સંસાર ક્યાંથી ઊભો રહે ?
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 221