________________
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. (૪૮) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોગટ છે, એ મારા અંતરની શકાનો કંઈ પણ સદુપાય સમજાવો. એટલે સમાધાન હોય તો કહો.”
આ શિષ્ય પ્રજ્ઞાવાન છે. એણે કહ્યું, ‘માટે છે નહિ આતમા.” આણે તો શંકા કરવાને બદલે તર્કથી સાબિત કરી દીધું કે – માટે છે નહિ આતમા. – ભાઈ તને નિર્ણય કરવા ક્યાં કહ્યું'તું ? આ આત્મસિદ્ધિના ગુરુ શિષ્યનો અદૂભૂત સંવાદ છે. આપણે ક્યાં ભૂલ ખાઈએ છીએ તે આમાં બતાવ્યું છે. કે જ્ઞાનીની વાત સાંભળ્યા પહેલાં આપણે તત્ત્વ વિશેનો નિર્ણય આપી દઈએ છીએ. સત્યને સમજ્યા પહેલાં આપણે સત્ય વિશેનો આપણો ચુકાદો આપી દઈએ છીએ. આ આપણું દોઢ ડહાપણ એ જ આપણો સ્વચ્છંદ, ભગવાનને પૂછતાં-પૂછતાં કહી દીધું કે “માટે છે નહિ આતમાં.” અને પછી કહ્યું કે અમે જેમ અમન-ચમનથી રહીએ છીએ એમ રહેવા દયો. આ ત્યાગની વૈરાગ્યની વાત ક્યાં લાવ્યા ? કારણ કે ‘મિથ્યા મોક્ષ ઉપાય.” મોક્ષનો ઉપાય હેતુ વગરનો છે. કારણ કે આત્મા જ નથી તો મોક્ષ કોનો ? જેના માટે આ બધા તપ કરવાનાં છે, જેના માટે આ વૈરાગ્ય ધારણ કરવાનાં છે, જેના માટે થઈને આ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરવાની છે, જેના માટે થઈને આ બધાં વ્રત કરવાનાં છે તે જો આત્મા જ ન હોય તો શેના માટે કરવાનાં છે ? આ તો ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી’ એના જેવું થયું. “માટે છે નહીં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય.’ આણે તો પાંચેય પદનું જજમેન્ટ દઈ દીધું. કારણ કે “મોક્ષનો ઉપાય છે.” તે તો છઠું પદ છે.
સદ્દગુરુએ કહ્યું, શિષ્ય તને ખબર નથી. આ પ્રાપ્ત કરવાનો એક ઉપાય છે. અને તેની જાણકારી મારી પાસે છે. ગુરુની વિશેષતા શેમાં છે – જીવોને શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ કરાવવા માટે, તેનો સુધર્મ એવો ઉપાય, જાણે છે. એ ઉપાય જાણે છે એટલે એ ગુરુ છે. રોગ ન હોય તો ડૉક્ટરનું શું કામ છે ? કેસ ન હોય તો વકીલનું શું કામ છે ? એમ અહીં મોક્ષનો ઉપાય બતાવે તે ગુરુ. પણ આ શિષ્ય તો કહે છે કે, ‘આત્મા જ નથી.’ ‘મિથ્યા મોક્ષ ઉપાય.’ તો પછી ગુરનું શું કામ છે ? પણ પાછો આ શિષ્ય છે તે સાચો છે. એટલે એણે કહ્યું ભગવાન ! આ જે મેં વાત કરી તે મારી અંતર શંકા છે. પ્રભુ ! આ બાહ્ય વિચારીને - કે ઉપલક હું તમારી સાથે ચર્ચા નથી કરતો. ડહાપણથી નથી કરતો. મને તો અંતરથી આ બધી શંકા થાય છે. કે આ દેહ હશે, ઇન્દ્રિયો હશે, કે પ્રાણ તે આત્મા હશે ? આનું કાંઈ જુદું એંધાણ નથી. આ આત્મા ન હોય તો તેના મોક્ષ કરવાના ઉપાય શું ? તે ઉપાય કરવાનો હેતુ શું ? આ આત્મા જો હોય – તો જેમ દુનિયાના હજારો પદાર્થોનું જ્ઞાન થાય છે તેમ આનું જ્ઞાન કેમ થતું નથી ? આ અંતરનો વલોપાત છે ? જેને આવી લય લાગે છે, જેને બ્રહ્મને પામવાની બ્રાહ્મીવેદના જાગી છે, જેને આત્મસ્વરૂપને પામવાની આવી લય લાગી છે - તે આ શિષ્યની પ્રથમ ભૂમિકા છે, કે જેનામાં જિજ્ઞાસાનો અગ્નિ પ્રજ્વલિત થયો છે. ઉપનિષદનો શિષ્ય છે કે જેને તત્ત્વની જિજ્ઞાસા છે. એને જ જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. “સતુ’ની પ્રાપ્તિ, ‘સત'ના જિજ્ઞાસને થાય છે. આવી જિજ્ઞાસા જેને સુક્ષ્મ બોધ પ્રાપ્ત કરવાની જાગી છે. ‘મહાવીરના બોધને પાત્ર કોણ ?”
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 147 =