________________
જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરયોગ ન મટે.’
જીવે પોતાના માટે આવી દશા નિર્માણ કરવાની છે. મહત્ત્વ દશાનું છે. જ્યાં સુધી જીવ આવી દશા ઉત્પન્ન કરતો નથી ત્યાં સુધી કંઈ ફળ નથી. કૃપાળુદેવે પત્રાંક ૩૯૭માં લખ્યું છે, “માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.” તું ક્યા તત્ત્વજ્ઞાનમાં અને કઈ ફીલોસોફીમાં માને છે – એનું કંઈ ફળ નથી. ફળ દશાનું છે. કે તું જે માને છે એવી તારી પોતાની દશા છે. જે તત્ત્વજ્ઞાન ને હું માનું છું, જે તત્ત્વજ્ઞાનને હું આદર આપું છું, જે તત્ત્વજ્ઞાનમાં મારી શ્રદ્ધા છે, જે તત્વજ્ઞાનમાં મારી ભક્તિ છે, તે તત્ત્વજ્ઞાનને અનુરૂપ મારી જીવનની દશા છે ? આવી દશા જ્યાં સુધી થઈ નથી – એટલે કે, કષાયો ઉપશાંત થયા નથી, અંતરમાં વૈરાગ્ય જાગ્યો નથી, મોક્ષની અભિલાષા વેદાતી નથી, ભવભ્રમણનો થાક લાગ્યો નથી, અને જગતના જીવો પ્રત્યે અનુકંપા જાગતી નથી. આવી દશા જીવમાં જ્યાં સુધી ન આવે, ‘જીવ લહે નહીં જોગ’ - આવી યોગ્યતા જીવમાં આવી નથી – યોગ્યતા દશાથી છે – વાતોથી નથી – બાકીની લૌકિક ઉપલબ્ધિથી, પણ યોગ્યતા નહીં આવે. હું ધર્મસ્થાનકમાં છું, હું ટ્રસ્ટી છું, ધર્મગુરુ છું, ઉપદેશક છું, પ્રવચનકાર છું, વ્યાખ્યાનકાર છું, ચારેબાજુ આટલું-આટલું કરાવું છું, એનું કોઈ મહત્ત્વ નથી ભાઈ ! તારી યોગ્યતાના આધાર ઉપર જ્ઞાનીઓ નિર્ણય કરે કે આત્માર્થ કોણ પામશે ? જ્યાં સુધી આવી દશા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ જીવ મોક્ષમાર્ગને પામે નહીં.
કૃપાળુદેવે પત્રાંક ૬૪૩માં લખ્યું છે કે, ‘ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આ વાતનો વિષય નથી. “વાત તે વાત છે. દશા તે દશા છે. પત્રાંક ૧૯૮માં ભગવાને કહ્યું છે, “બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે.” આગળ કહે છે, “જે જ્ઞાન કરીને ભવાંત થાય, તે જ્ઞાન સુગમ પણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે.” જ્ઞાન તો દશા હોય તો થાય. અને તે જ્ઞાન એવું કે જેનાથી મારે ભવાત કરવી છે. પરિભ્રમણ ચાલુ નથી રાખવું. એટલે કહે છે કે જ્યાં સુધી આવી યોગ્યતાને જીવ પ્રાપ્ત કરતો નથી – આ ચાર ગુણો, (૧) કષાયની ઉપશાંતતા, (૨) મોક્ષની અભિલાષા, (૩) ભવ પરિભ્રમણનો ખેદ અને (૪) જગતના જીવોની – પ્રાણીઓની દયા અને અનુકંપા. આ જ્યાં સુધી જીવનમાં ચરિતાર્થ થતા નથી, આવી દશા આવતી નથી, ત્યાં સુધી આ જીવ યોગ્યતા પ્રાપ્ત કરતો નથી. અને યોગ્યતા વિનાનો જીવ, અધિકાર વિનાનો જીવ, મોક્ષમાર્ગ પામે નહીં, મોક્ષમાર્ગ. પરમ શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ. નિર્વિકલ્પ સ્વરૂપ તે મોક્ષ અને તે મોક્ષ પદની પ્રાપ્તિ જે રીતે સુગમ બને તે મોક્ષમાર્ગ. આવો મોક્ષમાર્ગ. મારો આત્મા જે કર્મથી મલિન છે, કષાયોથી મલિન છે, મોહનિય કર્મથી ઘેરાયેલો છે, આખા જગત પ્રત્યેના આસક્તિ ભાવથી ગળાડૂબ છે, જગતના વિષયો અને કષાયોની અંદર લુબ્ધ થયેલો છે, એવા મારા જીવનો કોઈ પ્રભાવ પ્રગટતો નથી. અંદર અમૂલ્ય એવું ચૈતન્ય છે પણ એનો કોઈ પ્રભાવ દેખવામાં આવતો નથી, કારણ કે આવરણ ઘણું છે. મલિનતા ઘણી છે. અંદર તો શુદ્ધ દ્રવ્ય પડ્યું છે. પણ આવરણ ઘણું ગાઢ છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 127 [E]=