________________
વળી સમ્યગદર્શનના શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના ગુણોને વાગોળીને આત્મસાત્ કરીને હૈયું નાચી ઊઠે તેવા આ ગુણોની વિશદતા જણાવી છે. જેનાથી સમ્યગ્દર્શનનું મૂલ્યાંકન સમજાય છે.
સવિશેષય નિસંકિય જેવા આઠ ગુણો તો સમ્યગ્દર્શનના પ્રાણ છે. આ ગુણો દ્વારા દર્શનને કમળની પાંખડીઓ ખૂલે તેમ શાસ્ત્રકારોએ ખોલ્યો છે. લેખિકાએ તેને પણ પૂરો ન્યાય આપ્યો છે.
જૈન દર્શનમાં જેનાથી શુધ્ધ ધર્મનો પ્રારંભ થાય છે તેવા આ આત્મિક ગુણ કલમમાં સમાય તેવો નથી. જેનું બીજ મોક્ષરૂપ ફળનું પ્રદાન કરે છે તે દરેક આત્મામાં અપ્રગટ તો રહ્યો છે તે પ્રગટ થઈ પૂર્ણતા પામે. કેવળ દર્શન-જ્ઞાનરૂપે પરિણમે એવા સામર્થ્યને ગ્રંથોના આધારે લેખિકાએ લેખમાં સમાવ્યો છે. તે સાધકોનેવાચકોને ખૂબ ઉપયોગી થશે.
તત્ત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યગદર્શનમ્ આ સૂત્ર વર્તમાનના જૈન દર્શનને પામેલાના પ્રમાદને દૂર કરવા પર્યાપ્ત છે. જેના ભાગ્ય નહિ હોય તે કાંઠે આવીને તરસ્યા જશે! સમુદ્રમાં પડેલું રત્ન કદાચ દેવી સહાયથી મળે પણ આ રત્નત્રય પૂરા વિશ્વના ચક્રવ્યુહમાં પ્રાપ્ત થવું દુર્લભ છે. મહા પુણ્યોદયે પ્રાપ્ત થાય તેવું રત્ન, હે! ભવ્યાત્માઓ તમને સરળતાથી મળે તેવું છે. તે માટે આ મહાનિબંધનો અભ્યાસ કરજો. ગુરુગમે શિક્ષા લેજો, તો આત્મ પ્રદેશમાં અપ્રગટ રહેલું આ રત્ન પ્રકાશ આપશે. જેનું પરિણામ જીવનનો અરુણોદય છે.
વળી શ્રીમદ્ રાજચંદ્ર જેવા જ્ઞાનીએ મૂળ માર્ગ સાંભળો' જેવા પદમાં તો ત્રણેની અભેદ એકતા દર્શાવી અદ્ભુત ભાવની પ્રરૂપણા કરી છે. તે પૂરી બોધદાયક છે. આત્મસિદ્ધિશાસ્ત્ર જેવા મહા બોધ દાયક પદમાં પૂરતું નિવેદન રચ્યું છે જે કંઈ પણ ગુંચ વગરનું સીધું બોધદાયક કાવ્ય છે. અને કોઈ પણ શંકાનું નિરાકરણ કરી સ્વદોષ દર્શન કરાવી ઉપાય દર્શાવ્યો છે.
સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી વર્તે સગુણ પક્ષ, સમક્તિ તેણે ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ''