________________
મંગળ કામના
પ્રસ્તુત પુસ્તક પ્રત્યે પ્રતિભાવ ‘ઊગ્યો મુક્તિનો અરુણોદય સમ્યગ્દર્શન'
ઉપરોક્ત પુસ્તકનું લેખન મેં જોયું. વિષયને શક્ય તેટલા કથનોથી ન્યાય આપ્યો છે. જૈન દર્શનમાં સર્વોચ્ચ સ્થાને, શુધ્ધ ધર્મના પ્રારંભરૂપ સમ્યગ્દર્શન છે. જૈન દર્શનનો ધોરી માર્ગ છે. ઉપદેશકોની તે માર્ગને વિષે ક્યારેક ગૌણતા જણાય છે. તે આવા ગ્રંથો દ્વારા પ્રકાશમાં આવે તેવો આ પ્રયાસ છે. જે દ્વારા સાધકવર્ગનો ઘણો લાભ છે.
બાર અંગો કે પૂર્વી જેવા શાસ્ત્રો હાલ ઉપલબ્ધ નથી. પરંતુ પરંપરાએ સચવાયું તેવા શાસ્ત્રોના આધારે વિગતવાર લેખન થયું છે. બે હજાર વર્ષ ઉપરાંત થયેલા દિગંબર આચાર્ય શ્રી કુંદકુંદચાર્યાજીએ પરમાગમો લખ્યા. તેમાં સવિશેષ નિશ્ચયથી સમ્યગ્દર્શનને – ભેદજ્ઞાન રૂપે દર્શાવીને શુધ્ધ ધર્મને માહાત્મ્ય આપ્યું છે. તે પછી બીજા આચાર્યો અને પંડિતોએ દિગંબર આમ્નાયમાં સમ્યગ્દર્શનને શુધ્ધ ધર્મનો પ્રાણ ગણી મિથ્યાત્વનો અત્યંત છેદ ક૨વાનો ઉપદેશ આપ્યો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ જીવ માર્ગ પામ્યો મનાય છે.
સમ્યગ્દર્શન મુક્તિનું એક માત્ર અંગ હોવાથી તેની વિશદતા ઘણી છે. બાર અંગ ઉપાંગો જેવા ગૂઢ રહસ્યવાળા શાસ્ત્રો હાલ ઉપલબ્ધ નથી, છતાં બે હજા૨ વર્ષ પહેલા થયેલા શ્રી ઉમાસ્વાતિ આચાર્ય કે જેમણે તત્ત્વાર્થસૂત્રમાં પ્રથમ અધ્યાયમાં માંગલિકરૂપ જ સૂત્રથી પ્રકાશ્યું કે ‘‘સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:'' આવું માંગલિક સૂત્ર જ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય સૂચવે છે. યદ્યપિ સમ્યગ્દર્શન - જ્ઞાન - અને ચારિત્ર ત્રણે મળી મુક્તિ છે. એક અંગ અધુરૂં રહેતું નથી.
ત્યાર પછી અન્ય આચાર્યોએ સ્વત્રંથોમાં સામાન્ય ઉલ્લેખ તો કર્યો જ પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી સૂરિ ભગવંતે તો તેને ૬૭ બોલથી ખૂબ પ્રકાશમાં લાવી દીધો. જેનું સુંદર વિવેચન લેખિકાએ કર્યું છે.