________________
ત્રણ પ્રકારની શુદ્ધિ
સમ્યકત્વને જે નિર્મળ બનાવે તે “શુદ્ધિ' કહેવાય છે. જે ત્રણ પ્રકારની છે - મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ. જેમ વસ્ત્ર મેલું હોય તો પાણી, સાબુ વગેરેથી તે શુદ્ધ થાય છે, ઘરમાં ધૂળ, કચરો હોય તો સાવરણી આદિથી સાફ થાય છે તેમ આત્મા પર લાગેલો કચરો આ ત્રણ શુદ્ધિથી દૂર થાય છે – a) મન:શુદ્ધિ - સર્વજ્ઞ ભગવંતોએ જે પ્રવચનની પ્રરૂપણા કરી છે, જે તત્ત્વો પ્રકાશ્યા છે તે તત્ત્વો તેમજ તે તત્ત્વોને જેણે સ્વીકાર્યા છે તે જીવો જ આ સંસારમાં સારરૂપ છે બાકી બધું અસાર છે એવી નિર્મળ બુદ્ધિ તે મન:શુદ્ધિ કહેવાય છે જે નરવર્મા રાજાના દષ્ટાંત દ્વારા બતાવેલી છે.
જંબૂદ્વીપના ભારતક્ષેત્રમાં વિજયવતી નગરીમાં નરવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને હરિવર્મા નામે પુત્ર હતો. એક વખત રાજાની રાજસભામાં મંત્રીઓ ધર્મવિષયક ચર્ચા કરતા હતા. એક કહે, ‘દાક્ષિણ્યતા, ધીરતા, પરોપકાર આદિ લોકાચારનું પાલન કરવું એ જ ધર્મ છે.' બીજો કહે છે, “વેદમાં કહેલ પવિત્ર અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા એ જ ધર્મ છે. ત્રીજો કહે, ‘પૂર્વપુરુષોની પરંપરાથી જે આચરાતું હોય એ જ ધર્મ છે.' ચોથો કહે, “પ્રત્યક્ષ જે દેખાય તેને ભોગવવું એ જ ધર્મ છે. પુણ્ય, પાપ, પરભવ જેવું કશું છે જ નહીં. આ ચર્ચા સાંભળી રાજાએ વિચાર્યું, દાક્ષિણ્યતા, પરાક્રમ, પરોપકાર કરવો એ લૌકિક ધર્મ હોઈ શકે. તે પુરુષાર્થના ઉત્કર્ષ સ્વરૂપ છે પરંતુ આત્મહિત કરનારો લોકોત્તર ધર્મ ન કહેવાય. વેદોક્ત યજ્ઞાદિને જે ધર્મ કહ્યો છે તે હિંસાજન્ય હોવાથી તેનો પણ ધર્મ તરીકે સ્વીકાર ન થઈ શકે. વળી પૂર્વપુરુષોની પરંપરાથી ઘણી વખત અજ્ઞાનજન્ય પરંપરા પણ હોઈ શકે માટે તે પણ પ્રમાણભૂત નથી અને પ્રત્યક્ષ દેખીએ એને જ જો પ્રમાણ માનીએ અને પુણ્ય પાપાદિ જો ન માનીએ તો સુખ-દુઃખાદિ જગતને જોઈએ છીએ તે કેવી રીતે હોય? માટે સાચો ધર્મ શું હોઈ શકે?
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૫૯